અમદાવાદ: શિયાળામાં મોટા ભાગના શાકભાજી સહિત ડુંગળી-બટાકાના ભાવ પણ નીચા જોવા મળતા હોય છે, પરંતુ આ વખતે ઊંધી ચાલ જોવા મળી રહી છે. બટાકાના ભાવમાં મોટાં ગાબડાં પડ્યાં છે અને ૧૦ રૂપિયે કિલોની આસપાસ ભાવ જોવા મળ્યા છે, જ્યારે તેની સામે ડુંગળીના ભાવનો પારો ઊંચે જઇ રહ્યો છે.
હોલસેલ બજારમાં પાછલા ૧૦ જ દિવસમાં ડુંગળીના ભાવમાં ૭૦થી ૧૦૦ રૂપિયાનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે, જેના પગલે આગામી દિવસોમાં રિટેલમાં ડુંગળીના ભાવમાં વધારો થાય તેવી શક્યતાઓ હોલસેલ બજારના વેપારીઓ દ્વારા વ્યક્ત કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે હાલ ‘બી’ ગ્રેડની ડુંગળી સ્થાનિક બજારમાં ૫૦થી ૫૫ રૂપિયા પ્રતિકિલોની સપાટીએ વેચાઇ રહી છે. પુના તથા તેની આજુબાજુના પ્રદેશોમાં દલિત આંદોલનના પગલે મહારાષ્ટ્ર બાજુથી આવતી ડુંગળી વિલંબમાં આવી રહી છે.
તેના કારણે માર્કેટ યાર્ડમાં પડેલી ઘટના પગલે ડુંગળીના ભાવમાં તેજીની ચાલજોવા મળી છે. નોંધનીય છે કે મહારાષ્ટ્ર બાજુથી આવતી ડુંગળી ૨૦ કિલોએ ૮૦૦ની સપાટી ક્રોસ કરી દીધી છે, જ્યારે સૌરાષ્ટ્ર બાજુથી આવતી ડુંગળી પણ ૮૦૦ની સપાટીની નજીક ૭૬૦ના મથાળે પહોંચી ગઇ છે.
ચાલુ વર્ષે મહારાષ્ટ્રના કેટલાક પ્રદેશોમાં વરસાદ થવાના કારણે પાક બગડવાની ભીતિએ ડુંગળીના ભાવમાં તેજીની ચાલ નોંધાતી જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે આ સમયગાળામાં ડુંગળી પ્રતિકિલો ૧૨થી ૧૫ રૂપિયે વેચાઇ રહી હતી.
દશેરા અને દિવાળી બાદ બજારમાં સૌરાષ્ટ્ર બાજુથી તથા મહારાષ્ટ્ર બાજુથી મબલખ આવક આવતી હોય છે, પરંતુ આ વખતે આવકમાં જોવા મળેલા ઘટાડાના પગલે ભાવને સપોર્ટ મળ્યો છે.