શ્રદ્ધાળુઓ આગામી વર્ષ સુધી અમરનાથ યાત્રા મોકૂફ રાખેઃ શ્રીશ્રી રવિશંકર

નવી દિલ્હી: તાજેતરની કરુણાંતિકા અને અમરનાથ યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રીશ્રી રવિશંકરે અમરનાથ યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને આગામી એક વર્ષ સુધી યાત્રા સ્થગિત કરવા સલાહ આપી છે.

શ્રીશ્રી રવિશંકરે એક નિવેદન જારી કરીને સલાહ આપી છે કે ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે પવિત્ર ગુફા તરફ જતા બાલતાલ અને પહેલગામ બંને માર્ગોમાં અવરોધો ઊભા થયા છે અને નજીકના ભવિષ્યમાં યાત્રા માટે આ માર્ગ યોગ્ય થવાની શક્યતા નથી. આથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓ આગામી વર્ષ સુધી પોતાની યાત્રા મોકૂફ રાખે.

આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકર અમરનાથ શ્રાઇન બોર્ડના સભ્ય પણ છે. શ્રાઇન બોર્ડના ચેરમેન રાજ્યપાલ એન. એન. વોરા છે. શ્રાઇન બોર્ડના સભ્યો અને સીમા સુરક્ષાદળના તમામ સભ્ય દ્વારા શક્ય તમામ પ્રયાસો કરવા છતાં બંને રૂટ હજુ અવરોધાયેલ છે અને આ રૂટ પર નજીકના ભવિષ્યમાં સુધારો થવાની કોઇ શક્યતા જણાતી નથી.

જે અમરનાથ યાત્રાળુઅો પહેલાંથી ત્યાં પહોંચી ગયા છે તેમને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એટલા માટે શ્રદ્ધાળુઓ ફરી એક વાર યાત્રાના પ્લાન પર પુનઃ વિચાર કરે અને પોતાના ઘરે કે સ્થળેથી ભગવાન શિવજીનું ધ્યાન ધરે.

You might also like