શાહીબાગ અને મેઘાણીનગરના બે મિત્રોનાં અકસ્માતે મોતમાં નવો વળાંક: એક્સિડન્ટ નહીં પણ ડબલ મર્ડર!

અમદાવાદ: અમદાવાદના શાહીબાગ અને મેઘાણીનગર વિસ્તારમાં રહેતા બે મિત્રોના વીરમગામ હાઇ વે પર અકસ્માતે થયેલા મોતમાં પોસ્ટમોર્ટર રિપોર્ટ બાદ નવો વળાંક આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બંને મિત્રોનું મોત અકસ્માતથી નહીં થયું હોવાનો તથા બંનેનું ગળું દબાવીને બોથડ પદાર્થથી હુમલો કરાતાં મોત થયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ચોંકાવનારી વાત એ છે કે મરનાર પૈકીના એક યુવાને તેના ભાઇને મોબાઇલથી ફોન કરી તલવારો તથા ધોકા લઇને કેટલાક લોકો મારવા પાછળ પડયા હોવાની વાત કરી હતી જે રેકર્ડ થઇ ગઇ છે.

વીરમગામ રૂરલ પોલીસ સ્ટેશને કરેલી ફરિયાદ મુજબ શહેરના શાહીબાગમાં રહેતો ૧૯ વર્ષીય વિકાસ ભરતભાઇ સોલંકી તથા મેઘાણીનગરમાં રહેતો ર૦ વર્ષીય કેતન કાળીદાસ વાઘેલા પોલીસ કમિશનર ઓફિસ સામે આવેલ બાઇકના શો રૂમમાં સાથે કામ કરતા હતા. તા.૧૪-૧૧-૧પના રોજ સવારે કેતન અને વિકાસ બંને જણા કેતને નવી બાઇક લીધી હોઇ સચાણા ખાતેના મેલડી માતાના મંદિરે જતા હતા.

ત્યારે બાઇક રોડની એંગલ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો જેના કારણે બંનેને ગંભીર ઇજાઓ થતાં ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ડોકટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.

વીરમગામ રૂરલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ બંધ કરી દીધી હતી સિવિલ હોસ્પિટલના ડોકટરોએ બંને યુવાનોના કરેલા પોસ્ટમોર્ટમમાં ગળું દબાવીને તથા માથાના ભાગે બોથડ પદાર્થ મારીને તેમનું મોત થયું હોવાનો રિપોર્ટ પોલીસને આપ્યો છે. જોકે વીરમગામ પોલીસે ડબલ મર્ડરનો ગુનો દાખલ કર્યો નથી.

ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં મૃત્યુ પામનાર કેતને તેના ભાઇ હીરેનને ઘટના સમયે મોબાઇલ કર્યો હતો અને કેટલાંક ગુંડા તત્વો હથિયારો લઇને પીછો કરી રહ્યા છે તેવી જાણ કરી હતી આ તમામ વાતચીત હીરેનના મોબાઇલમાં રેકર્ડ થઇ ગઇ છે. આ બંને યુવકોના વકીલ એમ.એમ.શેખે અમદાવાદ જિલ્લાના એસપીને હત્યાનો ગુનો દાખલ કરવા માટે ફરિયાદ આપી છે.

આ મુદ્દે પોસ્ટમોર્ટમ કરનાર અમદાવાદ ‌સિવિલ હો‌સ્પિટલના ડો. એમ. બી. ઘેલાણીએ જણાવ્યું છે કે આ કેસમાં ગળું દબાવી બોથડ પદાર્થથી ઇજા પહોંચાડતાં તેમનું મૃત્યુ થયું છે રોડ અકસ્માતમાં તેમનું મોત થયું નથી. વીરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઇ મહેશભાઇ બારોટે જણાવ્યું છે કે અમે બંદોબસ્તમાં હોવાને કારણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ લેવા હોસ્પિટલમાં જઇ શક્યા નથી જેથી અમને મોતનું સાચું કારણ જાણવા મળ્યું નથી.

અમદાવાદ જિલ્લાના એસપી નિર્લિપ્ત રાયે જણાવ્યું છે કે વીરમગામ પોલીસને આ મુદ્દે ધ્યાન દોર્યું છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવ્યું હોય તો હત્યાનો ગુનો દાખલ કરવો જઇએ તથા મોબાઇલ રેકર્ડિંગનુ પણ વોઇસ એનાલિસીસ ટેસ્ટ કરવામાં આવશે.

વિકાસના પિતા ભરતભાઈ સોલંકીઅે જણાવ્યું હતું કે બે મહિનાથી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થઇ ગયો હોવા છતાંય પોલીસ જાણી જોઇને હત્યાનો ગુનો દાખલ નથી કરતી. અમે છેક સુધી લડત આપીને અમારા પુત્રોનાં મોતનું સાચું કારણ શોધીને રહીશું.

મૌલિક પટેલ

You might also like