શહેર ટ્રાફિક પોલીસમાં એક હજાર એલઆરડી જવાનોને પોસ્ટિંગ અપાશે

અમદાવાદ: રાજ્યના પોલીસ વિભાગમાં ગત વર્ષે ૧૮ હજારથી વધુ પોલીસ કર્મચારીઅોની ભરતી કરવામાં અાવી હતી, જેમાં ૮ મહિનાની ટ્રે‌િનંગ બાદ અાજે ૨૩૦૧ જેટલા લોકરક્ષકદળના જવાનોનો દીક્ષાંત પરેડ સમારોહ શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયો હતો.

૨૩૦૧ પોલીસ જવાનોમાંથી એક હજાર પોલીસ જવાનોને શહેરના ટ્રાફિક વિભાગમાં પોસ્ટિંગ અાપવામાં અાવશે, જ્યારે અન્યને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેમની ક્ષમતા પ્રમાણે કામગીરી સોંપવામાં અાવશે.

ગત વર્ષે કરાયેલી પોલીસ ભરતીમાં પાસ થયેલા જવાનોમાં ૨૩૦૧ લોકરક્ષકદળના જવાનોમાં ૭૯૯૫ જેટલી મહિલાઅોઅે તાલીમ લીધી હતી. અાજે યોજાયેલ દીક્ષાંત પરેડ સમારોહ રાજ્યનો સૌથી મોટો પરેડ સમારોહ થયો હતો. પરેડ સમારોહમાં તાલીમ પામેલા જવાનોનાં પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં. પરેડની દરેક પ્લાટુનમાં મહિલા અને પુરુષને સાથે રાખવામાં અાવ્યાં હતાં. પ્લાટુનનું સંચાલન પણ મહિલા અને પુરુષ બંને દ્વારા કરવામાં અાવ્યું હતું.

દરેક પોલીસ જવાનોને અધિક પોલીસ કમિશનર (વહીવટ) ડો. વિપુલ અગ્રવાલ દ્વારા શપથ લેવડાવવામાં અાવ્યા હતા. ઇન્ચાર્જ પોલીસ કમિશનર મોહન ઝાઅે જણાવ્યું હતું કે એકસાથે અાટલા તાલીમાર્થીઅોને તાલીમ અાપવી એ મોટો પડકાર હતો, પરંતુ શહેર પોલીસે ચાર જગ્યાઅે તેઅોને ટ્રે‌િનંગ અાપી તેને સફળ બનાવી છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીઅે તાલીમાર્થીઅોને સંબોધતાં જણાવ્યું હતું કે અાજે રાજ્યની સૌથી મોટી પરેડ થઈ છે. ભૂતકાળમાં અાવી મોટી પરેડનું અાયોજન કરવામાં અાવ્યું નથી. ગુજરાત પોલીસને કાર્યદક્ષ અને અાધુનિક રીતે સજ્જ કરવામાં અાવી છે.

ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાઅે જણાવ્યું હતું કે ૮ મહિનાની ટ્રે‌િનંગ બાદ અમદાવાદમાં ૨૩૦૧ પોલીસકર્મીઅોને તાલીમ અાપવામાં અાવી છે. દરેક પોલીસ સ્ટેશનમાં ૨૫ થી ૩૦ એલઅારડીને પોસ્ટિંગ અાપવામાં અાવશે અને તેમની ક્ષમતા મુજબ કામ અાપવામાં અાવશે.

તાલીમ પામેલા અા ૨૩૦૧ પોલીસ જવાનોમાંથી ટ્રાફિક નિયમન માટે વધુ જવાનો ફાળવવામાં અાવશે, જેથી ૧૦૦૦ જેટલા પોલીસ જવાનો ટ્રાફિક નિયમન માટે રાખવામાં અાવશે. શાહીબાગ હેડક્વાર્ટર, ઘોડા કેમ્પ, ખેડા જિલ્લાના નાયકા ગામ અને ગોમતીપુર હેડક્વાર્ટર ખાતે અા જવાનોને તાલીમ અાપવામાં અાવી છે.

૨૧મી સદીના ગુનેગારો અાધુનિક ગુનેગાર બની ગયા છે. તેથી પોલીસને તે રીતે અાધુનિક રીતે શિક્ષિત કરવામાં અાવ્યા છે. અાગામી સમયમાં ૫૬૪૨ નવી ભરતી કરવામાં અાવનાર છે. તે માટે અલગ અલગ જિલ્લા તેમજ જૂનાગઢ પીટીસી કોલેજ અને કરાઈ ખાતે તેઅોને ટ્રે‌િનંગ અાપવામાં અાવશે.

You might also like