પુડ્ડુચેરીમાં કોંગ્રેસીઓએ કિરણ બેદીને હિટલર ગણાવતાં વિવાદ

પુડ્ડુચેરી: પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલની જવાબદારી સંભાળી રહેલા કિરણ બેદી અને રાજ્ય સરકાર વચ્ચે વધુ એક વખત વિવાદ છેડાયો છે. કોંગ્રેસ કાર્યકરો દ્વારા જારી કરવામાં આવેલ એક પોસ્ટરમાં કિરણ બેદીને હિટલર તરીકે બતાવાયાં છે. કિરણ બેદીએ પણ આજે સવારે અખબારના કેટલાક ભાગને ટ્વિટ કર્યું હતું, જેમાં કેટલાંક પોસ્ટરો છપાયાં છે. આ પોસ્ટરોમાં કિરણ બેદીની સરખામણી હિટલર સાથે સરખાવવામાં આ‍વી છે. પોસ્ટરોની તસવીરમાં કિરણ બેદીને આબેહૂબ હિટલરની જેમ બતાવવામાં આવ્યાં છે.

કિરણ બેદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે આ પુસ્તકમાં એક વધુ ચેપ્ટર ઉમેરાયું છે જેમાં લેખક સ્વયં સામેલ છે. આ પોસ્ટરો રાજ્યના કોંગ્રેસના કાર્યકરો દ્વારા લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરને ટ્વિટ કરતાં પૂર્વ આઈપીએસ અધિકારી કિરણ બેદીએ હાથ જોડીને એક ઈમોજી પણ પોસ્ટ કરી હતી. પુડ્ડુચેરી સરકાર અને ઉપરાજ્યપાલ કિરણ બેદી વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે વધુ વકરશે એવા નિર્દેશો મળી રહ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી મુખ્યપ્રધાન વી. નારાયણસામી અને ઉપરાજ્યપાલ કિરણ બેદી વચ્ચેની સ્થિતિ એટલી નાજુક છે કે હવે બંને વચ્ચેનો ટકરાવ ખુલ્લે આમ સામે આવી ગયો છે. સીએમ નારાયણસામીએ કિરણ બેદી પર પોતાના અધિકાર ક્ષેત્રની બહાર જઈને કામ કરવાનો આરોપ મૂક્યો છે. સાથે તેમણે એવો પણ આક્ષેપ મૂક્યો છે કે કિરણ બેદી પુડ્ડુચેરી સરકારની ગુપ્ત માહિતી ટ્વિટર પર લીક કરી રહ્યા છે.

૪ જુલાઈએ કેન્દ્ર સરકાર દ્વારા નોમિનેટ કરવામાં આવેલ ત્રણ વિધાનસભ્યોને શપથગ્રહણ કરાવ્યા બાદ કિરણ બેદી આ કેન્દ્ર શાસિત પ્રદેશના કોંગ્રેસીઓના નિશાન પર છે. મુખ્યપ્રધાન નારાયણસામી અને અન્ય કોંગ્રેસી ધારાસભ્યોએ કેન્દ્ર વતી નોમિનેટ કરવામાં આવેલ ધારાસભ્યોની શપથગ્રહણ સામે વિરોધ કર્યો હતો. કિરણ બેદીની કાર્યપદ્ધતિને સરમુખત્યાર શાહી ગણાવીને પુડ્ડુચેરી કોંગ્રેસે બંધનું એલાન પણ આપ્યું હતું.
http://sambhaavnews.com/

You might also like