પોસ્ટ ઓફિસ હવે આપશે લોકલ ‘કલરફૂલ’ ID કાર્ડ

અમદાવાદ: ગુજરાતમાં વસવા માટે આવેલી કોઇ પણ વ્યક્તિ કે ગુજરાતની બહાર નોકરી માટે કે ધંધા-વ્યવસાય માટે અન્ય સ્થળે શિફટ થતા કુટુંબને જે તે સ્થળે સ્થાયી થવા માટે લોકલ એડ્રેસ પ્રૂફ મેળવવું તાત્કાલિક ધોરણે ઘણું અઘરું પડે છે, એટલું જ નહીં ડ્રાઇવિંગ લાઇસન્સ, આધારકાર્ડ, પાનકાર્ડ કે નવું ગેસ કનેકશન મેળવવામાં પણ મુશ્કેલી પડે છે. આવા સંજોગોમાં હવે સરકારની નવી યોજના મુજબ આવા કુટુંબ કે વ્યકિતને પોસ્ટ ઓફિસ લોકલ સ્વેકલ કલરફૂલ ફોટાવાળું આઇડી કાર્ડ પૂરું પાડશે. આ યોજના હાલમાં તૈયાર થઇ ચૂકી છે. ફેબ્રુઆરી માસમાં તેનો અમલ થવાની પૂરી શક્યતા છે.

લોકલ સ્વેકલ આઇડી પ્રૂફ મેળવવા માટે જે તે વ્યકિતએ સ્પીડ પોસ્ટ દ્વારા તેનું જે તે સ્થળનું નવું એડ્રેસ હોય ત્યાં એક લેટર મોકલવાનો રહેશે. તેના નવા સરનામે લેટરની ડિલિવરી થઇ ગયા બાદ તે લેટર લઇને નજીકની પોસ્ટ ઓફિસ પર જે તે વ્યકિતએ જવાનું થશે અને રૂ.૧૦નું પેમેન્ટ કરી ત્યાં લોકલ એડ્રેસ નોંધાવવાનું રહેશે. લોકલ એડ્રેસ પ્રૂફ લેખિતમાં મેળવવા માટે જે તે વ્યકિતએ એક ફોર્મ ભરવું પડશે. જે http://www.indiapost.gov.in.pef/po-ip-cards.Application.from.pdf પરથી ડાઉનલોડ પણ કરી શકાશે. પોસ્ટ ઓફિસમાં રૂ.ર૪૦ની રકમ ચૂકવવા ઉપરાંત વ્હાઇટ બેકગ્રાઉન્ડવાળા બે કલર ફોટા અને બ્લડગ્રૂપ સહિત કાયમી સરનામા અંગેની માહિતી ફોર્મમાં ભરવાની રહેશે.

પોસ્ટખાતું કાયમી સરનામાની ચકાસણી કરશે અને જે તે વ્યકિતને ખરાઇ બાદ નવા સરનામાનું કલર આઇડી કાર્ડ ફાળવશે. જે તે વ્યકિતના સ્થાનિક રહેવાસી તરીકેના પ્રૂફ તરીકે માન્ય ગણાશે. આ કાર્ડની અવ‌િધ ત્રણ વર્ષની રહેશે. ત્રણ વર્ષ પછી કાર્ડ રિન્યુઅલનો કાર્ડધારકે રૂ.૧પ૦ ચાર્જ ચૂકવવો પડશે અને જો ડુપ્લિકેટ કાર્ડ કઢાવવું હશે તો રૂ.૧૦૦ આપવા પડશે, બદલી થાય તેવી નોકરી હશે તો તેમને જે તે શહેરમાં આ કાર્ડ મેળવવું સરળ બનશે. સાથેસાથે કાયમી એડ્રેસમાં દરેક સમયે ફેરફાર પણ કરવાે પડશે નહીં.

You might also like