પોસ્ટ ઓફિસમાં કેશ ના પહોંચતાં લોકોને હાલાકી

અમદાવાદ: રૂ.પ૦૦ અને ૧૦૦૦ના દરની નોટો બદલાવવા માટે સતત નવ દિવસથી લોકો બેન્કની બહાર લાઇનો લગાવીને ઊભા રહ્યા છે. સરકાર દ્વારા પોસ્ટ ઓફિસમાં જૂની નોટ બદલી આપવાની જાહેરાત કરાઇ છે. પરંતુ પોસ્ટ ઓફિસમાં આરબીઆઇ દ્વારા પૂરતી કેશ પહોંચાડવામાં આવતી ન હોવાને કારણે પોસ્ટ ઓફિસે આજે કેશ બદલી નહીં શકાય તેવાં બોર્ડ મારી દેવાની ફરજ પડી છે. છેલ્લા ત્રણ દિવસથી નવરંગપુરા પોસ્ટ ઓફિસ સબ પોસ્ટ ઓફિસને કેશ ન પહોંચાડાતાં લોકોને નછુટકે બેન્કમાં પૈસા બદલાવવા જવું પડે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદ શહેરની અંદર આવેલી પોસ્ટ ઓફિસમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી પૂરતી કેશ પહોંચાડવામાં આવતી નથી. લોકો સવારથી ઊઠીને પોસ્ટ ઓફિસમાં નોટ બદલાવવા પહોંચી જાય છે પરંતુ પોસ્ટ ઓફિસમાં કેશ ન આવી હોવાનું જણાવાતાં લોકોને નિરાશ થઇ પરત ફરવું પડે છે. શહેરના ધર્મનગર અને રેલવે કોલોની ખાતે આવેલી પોસ્ટ ઓફિસમાં છેલ્લા બે ત્રણ દિવસથી કેશ ન આવી હોવાનું જાણવા મળ્યું છે. કેટલીક પોસ્ટ ઓફિસ બહાર આજે કેશ બદલી આપવામાં આવશે નહીં તેવાં બોર્ડ મુકાયાં છે. ઉપરાંત માત્ર સેવિંગ ખાતામાં પૈસા જમા કરાવવામાં આવશે તેમ જણાવી દેવામાં આવ્યું હતું. આને કારણે વકીલો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

નવરંગપુરા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર અલ્પેશભાઇ શાહે જણાવ્યું કે આરબીઆઇમાંથી પૂરતી કેશ મળે છે પરંતુ અમુક પોસ્ટ ઓફિસમાં કેશ ખૂટી પડે છે. જો કે આ બાબતે જે તે જિલ્લા પોસ્ટ માસ્તર અને સિનિયર પોસ્ટ માસ્ટરને જાણકારી
હોય છે.

You might also like