મતદારોમાં ઉત્સાહની ઓટ મતદાન ઓછું થવાની શક્યતા

અમદાવાદ: આગામી રવિવારે અમદાવાદ કોર્પોરેશન સહિત રાજ્યની છ મનપાની ચૂંટણી યોજાવાની છે. એટલે કે ચૂંટણી આડે હવે આંગળીને વેઢે ગણાય તેટલા દિવસો બાકી રહ્યા છે, પરંતુ લોકોમાં ઉત્સાહની ઓટ હોય તેમ નજરે પડે છે. જેના કારણે રાજકીય વર્તુળોમાં ઓછા મતદાનની અટકળો થઈ રહી છે.

અમદાવાદ કોર્પોરેશનની વાત કરીએ તો આ વખતે નવા સીમાંકન હેઠળ કોર્પોરેશનના ૬૪ વોર્ડ ઘટીને ૪૮ વોર્ડ ઘટીને ૪૮ વોર્ડ થયા છે. જોકે અગાઉની ત્રણ કોર્પોરેટરની પેનલને બદલે ૫૦ ટકા મહિલા પ્રતિનિધિત્વના કારણે ૧૯૨ બેઠકોની સંખ્યા જળવાઈ રહી છે.
છેલ્લી ચૂંટણી કરતા આ વખતની ચૂંટણીમાં ૩.૬૩ લાખ મતદારોનો વધારો થયો છે. રવિવારના મતદાનના દિવસે કુલ ૩૯.૮૩ લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

જોકે ફક્ત પાંચ દિવસ પછી જ ચૂંટણી હોવા છતાં લોકોમાં હજુ ઉત્સાહ દેખાતો નથી. રાજકીય પક્ષોના કાર્યકરો પણ પોતાના ઉમેદવારોને ચિંતામાં ગરકાવ મૂકીને બહાર હરવા-ફરવા ઉપડી જવાથી ચૂંટણી કાર્યાલયો સુના પડ્યા હતા. આજના લાભપાંચમના દિવસથી પણ ચૂંટણી કાર્યાલયોનું ચિત્ર ખાસ બદલાયું નથી. ચૂંટણી કાર્યાલયોમાં આજે થોડાક કાર્યકરો નજરે પડ્યા હતા.
રાજકીય વર્તુળોના જણાવ્યા મુજબ જે પ્રાકરે મતદારોમાં ઉત્સાહની ઓટ છે જેને જોતા રવિવારે ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઓછી થવાની શક્યતા છે.

અલબત્ત ભાજપ માટે ઓછું મતદાન ચિંતાનો વિષય બની શકે છે. બીજી તરફ ભાજપની છાવણીમાં પણ ઓછા મતદાનની શક્યતાથી ફફડાટ ફેલાયો છે. શહેર ભાજપના ટોચના વર્તુળોએ જણાવ્યું હતું કે, મતદાનના દિવસે વધુને વધુ સંખ્યામાં મતદારોને ખેંચી લાવવા માટે કાર્યકરોને સૂચના અપાઈ ગઈ છે. કેમ કે કોંગ્રેસના ‘કમિટેડ વોટ’ ઓછા મતદાન વખતે પણ જળવાઈ રહેતા હોઈ ભાજપની બેઠકો ઘટી શકે છે.

You might also like