ભાઈબીજથી કેદારનાથનાં કપાટ દર્શન માટે બંધ થશે

રુદ્રપ્રયાગ: આગામી પહેલી નવેમ્બરે ભાઈબીજના દિવસે બાબા કેદારનાથ મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવશે.જયારે 16મી નવેમ્બરે બદરીનાથ મંદિરનાં દ્વાર બંધ થઈ જશે.બાબા કેદારને કેદારનાથથી તેના શિયાળુ સમયના ગાદીસ્થળ ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.  ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જનપદમાં આવેલા ભગવાન શિવના પંચ કેદારમાં પ્રથમ કેદારના રૂપે ઓળખાતા કેદારનાથ ધામનાં દ્વાર આગામી પહેલી નવેમ્બરે સવારે સાડા આઠ કલાકે બંધ થઈ જશે. ત્યારબાદ ત્રીજી નવેમ્બરે બાબા કેદારનો ચલ વિગ્રહ ઉત્સવ ઢોલ-નગારાં સાથે તેના શિયાળુ સમયના ગાદીસ્થળ ઓમકારેશ્વર મંદિર ઉખીમઠમાં સ્થાપિત કરવામાં આવશે. જ્યારે દ્વિતીય કેદાર મઘમહેશ્વર ધામનાં દ્વાર 22 નવેમ્બરે સવારે 8-22 કલાકે બંધ કરવામાં આવશે. તેના ચોથા તબકકામાં બાબા મઘમહેશ્વરની ડોલી પણ ઓમકારેશ્વર મંદિરમાં પહોંચશે. તેવો નિર્ણય તાજેતરમાં ઓમકારેશ્વર મંદિરમાં મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો.

બીજી તરફ જનપદ ચમોલીમાં આવેલા ભગવાન વિષ્ણુનાં પ્રસિદ્ધ મંદિર બદરીનાથનાં દ્વાર પણ આગામી 16 નવેમ્બરે બપોરે 3-45 કલાકે બંધ થઈ જશે. આ માટે બદરીનાથ મંદિરના મુખ્ય પૂજારી રાવલ ઈશ્વરીપ્રસાદ નંબૂદરી, ધર્માધિકારી ભુવન ઉનિયાલ સહિત વેદાભ્યાસીઓએ તેનું મુર્હૂત કાઢ્યું હતું. 12મી નવેમ્બરથી બદરીનાથમાં પંચ પૂજાઓ શરૂ થઈ જશે. આ પ્રસંગે મંદિર સમિતિના સીઈઓ બી.ડી.સિંહ સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. જ્યારે ઉત્તર કાશી જનપદમાં આવેલા યમુનોત્રી ધામનાં દ્વાર પણ પહેલી નવેમ્બરે જ 12-15 કલાકે અમૃત બેલા પર બંધ થઈ જશે. દ્વાર બંધ થઈ ગયા બાદ મા યમુનાને ખરસાલી લાવવામાં આવશે.

You might also like