જાણીતા RJની પત્નીએ લગ્નનાં 2 મહિનામાં જ આત્મહત્યા કરતા ચકચાર

અમદાવાદ : શ્યામલ ચાર રસ્તા પારે આવેલા સચિન ટાવરનાં દસમાં માળેથી 28 વર્ષીય મહિલા ભૂમિ દેસાઇએ કુદીને આત્મહત્યા કરતા અરેરાટી ફેલાઇ જવા પામી છે. ભૂમિ દેસાઇ જાણીતા રેડિયોજોકી કૃણાલની પત્ની છે અને બંન્નેનાં લગ્નને હજી માંડ 2 મહિના જેટલો જ સમય થયો હતો. ત્યાં ભૂમિએ આ પ્રકારનું પગલું ભરતા અનેક પ્રકારનાં તર્કવિતર્કો ચાલી રહ્યા છે.
ઘટનાં અંગે મળતી માહિતી અનુસાર એક સ્થાનિક રેડિયો ચેનલમાં આરજે તરીકે કામ કરતા કૃણાલનાં 2 મહિના અગાઉ જ લગ્ન ભૂમિ સાથે થયા હતા. બંન્ને શ્યામલ નજીક આવેલા સચિન ટાવર ખાતે રહેતા હતા. જો કે ભૂમિએ આજે તેનાં એક મિત્રને ‘suicide at sachin tower’ લખાણ લખીને આત્મહત્યા કરી લેતા અનેક તર્કવિતર્કો ચાલી રહ્યા છે. જો કે આ મેસેજમાં તેણે પોતાનાં પતિ અને અન્ય એક સંબંધીનાં મોબાઇલ નંબરનો ઉલ્લેખ પણ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ભૂમિ દેસાઇ હાલમાં જ એક રેડિયો કોન્ટેસ્ટ જીતીને દુબઇ ગઇ હતી. જ્યાં તે આરજે કૃણાલનાં પ્રેમમાં પડી હતી. ત્યાર બાદ બંન્નેએ બે મહિના અગાઉ જ લગ્ન કર્યા હતા. જો કે ભૂમિનાં આ બીજા લગ્ન હતા. જો કે લગ્નનાં ગણત્રીનાં મહિનાઓમાં જ ભૂમિની આત્મહત્યાથી પોલીસ પતિ પત્ની વચ્ચેનાં સંબંધો અંગે તપાસ કરી રહી છે. પોલીસે હાલ ભૂમિનાં ફોનની કોલ ડિટેઇલનાં આધારે તપાસ આદરી છે.

અત્રે ઉલ્લેખીય છે કે ઘટનાનાં 4 દિવસ અગાઉ ભૂમિ પોતાનાં પિયર ગઇ હતી જ્યાં તેની તથા પતિ વચ્ચેનાં અણબનાવ અંગેની જાણ પોતાનાં પરિવારને કરી હતી. જો કે તેણે સ્પષ્ટતાથી વાત નહી કરતા ગોળ ગોળ વાત કરી હતી. જેથી તેનો પરિવાર હાલ ભૂમિની આત્મહત્યા સ્વિકારવા તૈયાર નથી. તેનાં પરિવારનો દાવો છે કે કોઇ વ્યક્તિએ તેને ધક્કો માર્યો હોઇ શકે. સામાન્ય રીતે વ્યક્તિ પોતે જંપ લાવે તો તેનો દેહ ઉંધો પડે પરંતુ આ કિસ્સામાં શરીર સીધું પડ્યું હોવાથી પણ પોલીસને શંકા ઉપજી રહી છે.

હાલ તો પોલીસે અકસ્માતને મૃત્યુનો ગુનો નોંધીને વધારે તપાસ આદરી છે. પોલીસે જણાવ્યું કે આ અંગે હાલ પોસ્ટમોર્ટર રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. ત્યાર બાદ તપાસમાં જો આગળ જરૂર પડશે તો ફોરેન્સીક લેબોરેટરીની પણ મદદ લેવામાં આવશે.

You might also like