ગરીબી-બેરોજગારીએ ૧૪૯૨ લોકોનો ભોગ લીધો!

ગુજરાત રાજ્યને વિકાસશીલ રાજ્યના મૉડૅલ તરીકે રજૂ કરાઈ રહ્યું છે. થોડાક સમય પહેલાં જ ગુજરાતને સમગ્ર દેશમાં રોજગારી આપતાં રાજ્યોમાં નંબરવનનું સ્થાન પણ અપાયું હતું. જોકે રોજગારી અંગેની હકીકત થોડીક જુદી છે. પાંચ વર્ષમાં રાજ્યમાં ગરીબી અને બેરોજગારીના કારણે આત્મહત્યા કરનારાઓની સંખ્યા ૧૫૦૦ જેટલી થવા જાય છે.

જે ગુજરાતના વિકાસ અને રોજગારીની કથિત બાબતને ઉજાગર કરે છે. રાજ્યમાં થતી આત્મહત્યાના બનાવોના આંકડા તેનાં કારણો સહિત દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોને મોકલવામાં આવે છે. આ આંકડા મુજબ દેશમાં ૨૦૧૦થી ૨૦૧૪માં અનુક્રમે ૩૦૪૭, ૧૧૬૦, ૨૨૯૧, ૧૮૬૬ અને ૧૬૯૯ લોકોએ ગરીબીને કારણે આત્મહત્યા કરી છે. જે મુજબ ગુજરાતમાં અનુક્રમે ૬૩, ૧૦૧, ૬૪, ૫૬ અને ૬૨ મળીને પાંચ વર્ષમાં કુલ ૩૪૬ લોકોએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે.

તો બેરોજગારીના કારણે આત્મહત્યા કરનારાઓનો આંકડો એથીય વધુ છે. ૨૦૧૦થી ૨૦૧૪ દરમિયાન સમગ્ર દેશમાં અનુક્રમે ૨૨૨૨, ૨૩૩૩, ૧૭૩૧, ૨૦૯૦ અને ૨૨૦૭ લોકોએ આત્મહત્યા કરી હતી. જે મુજબ ગુજરાતમાં અનુક્રમે ૨૮૩, ૧૮૭, ૨૨૪, ૨૪૧ અને ૨૧૧ મળીને પાંચ વર્ષમાં કુલ ૧૧૪૬ બેકાર લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સરકારે વધતી આત્મહત્યા અટકાવવા નક્કર કાર્યવાહી હાથ ધરવાની તાતી જરૂરિયાત છે.

You might also like