આધારની સેફ્ટી સામે સવાલ, ૧૩.૫ કરોડ કાર્ડનો ડેટા લીક?

નવી દિલ્હી: બેંગલુરુની સેન્ટર ફોર ઈન્ટરનેટ એન્ડ સોસાયટીના (સીઆઈએસ) એક અહેવાલ અનુસાર આધાર કાર્ડ યોજનાની સુરક્ષા સામે ફરી સવાલો ઊભા થયા છે. આ અહેવાલમાં કેટલીક ચોંકાવનારી બાબતોનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. સીઆઈએસના રિપોર્ટ અનુસાર લગભગ ૧૩.૫ કરોડ આધાર કાર્ડનો ડેટા લીક થઈ ગયો હોવાની આશંકા છે.
રિપોર્ટ અનુસાર કેટલાય સરકારી વિભાગોએ કરોડો લોકોના આધાર ડેટાની વિગતો જાહેર કરી દીધી છે, જે કોઈ પણ જોઈ શકે છે. આ રિપોર્ટ ચાર ડેટા બેઝના અભ્યાસના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. જોકે રિપોર્ટમાં એ વાતની જાણકારી આપવામાં આવી નથી કે ડેટા લીક પાછળના ક્યાં કારણો છે અને આ રિપોર્ટ ઈરાદાપૂર્વક લીક કરવામાં આવ્યો છે કે પછી ભૂલથી લીક થઈ ગયો છે.

રિપોર્ટ અનુસાર જ્યાંથી આધાર કાર્ડનો ડેટા લીક થયો છે, તેમાં બે ડેટાબેઝ ગ્રામીણ વિકાસ મંત્રાલય સાથે સંકળાયેલ છે. તેમાં નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામના ડેશબોર્ડ અને નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટના પોર્ટલનો સમાવેશ થાય છે. બે ડેટાબેઝ આંધ્ર પ્રદેશ સાથે સંકળાયેલ છે તેમાં એક સ્ટેટનું નરેગા પોર્ટલ અને ચંદ્રાના બીમા નામની સરકારી સ્કીમના ડેશબોર્ડનો સમાવેશ થાય છે. તેના પર લાખો લોકોના આધાર ડેટાની વિગતો આપવામાં આવી છે જેને કોઈ પણ જોઈ શકે છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે ચાર પોર્ટલ પર લીક થયેલા આધાર નંબરની સંખ્યા ૧૩થી ૧૩.૫ કરોડ વચ્ચે હોઈ શકે છે.
http://sambhaavnews.com/

You might also like