ગરીબ આવાસ યોજનામાં મકાન લાગશે તો પણ બુુકિંગની રકમ પૂરેપૂરી પરત કરાશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા છેલ્લાં ચાર વર્ષમાં શહેરના વિવિધ વિસ્તારમાં ગરીબ આવાસ યોજના હેઠળ અંદાજે રર,૦૦૦ મકાનનું નિર્માણ કરાયું છે. આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રૂ.રપ૧ કરોડના ખર્ચે વધુ ૬,રર૩ મકાનો બાંધવાની દરખાસ્ત તંત્ર દ્વારા મુકાઇ છે. દરમિયાન અરજદારોની જે તે જ્ઞાતિના ઉલ્લેખની ભૂલના કારણે ડ્રોમાં મકાન લાગ્યા બાદ પણ સત્તાવાળાઓ આ અરજદારના મકાનની ફાળવણી રદ કરીને બુકિંગની રકમને પણ અડધોઅડધ જપ્ત કરતા હતા, જોકે હવે આ રકમ પૂરેપૂરી પરત કરાય તે દિશામાં હિલચાલ આરંભાઇ છે.
ગરીબ આવાસ યોજના હેઠળનાં મકાનોના પ્રથમ તબક્કાના ડ્રોમાં કોર્પોરેશન અરજીમાં થતી જ્ઞાતિ-જાતિ વિષયક ભૂલનેે ક્ષમ્ય ગણીને જે તે લાભાર્થીને જે તે મકાનની ફાળવણી કરતું હતું. તે વખતે મકાનની ફાળવણી માનવતાના ધોરણે રદ કરાતી ન હતી, પરંતુ પાછળથી કેટલાક અરજદારોની જ્ઞાતિ આધારિત વધુ ક્વોટાનો લાભ લેવાની વૃત્તિ છતી થતાં પછીના તબક્કાઓમાં સત્તાવાળાઓએ રહેમ રાહે નિર્ણય લેવાનું બંધ કર્યું હતું.

જોકે અરજી વખતે જ રાજ્યના સમાજકલ્યાણ વિભાગનું જ્ઞાતિ આધારિત પ્રમાણપત્ર ન લેવાતું હોઇ અનેક વખત ખરેખરના હકદાર લાભાર્થી પણ દંડાઇ રહ્યા હતા. છેલ્લે મળેલી હાઉસિંગ કમિટીની બેઠકમાં આ મુદ્દે ગરમાગરમ ચર્ચા થઇ હતી. કમિટીની બેઠકમાં જેમને મકાન ન લાગ્યાં હોય તેમને જે પ્રકારે પૂરેપૂરું રિફંડ ચૂકવાય છે તે જ રીતે જેમની મકાનની ફાળવણી અરજીમાં જ્ઞાતિની ભૂલના કારણે રદ કરાઇ હોય તેવા અરજદારની પ૦ ટકા રકમ કાપવાના બદલે પૂરેપૂરી બુકિંગની રકમ પરત કરવાની સત્તાવાળાઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરાઇ હતી તેમ હાઉસિંગ કમિટીના ચેરમેન બિપિન પટેલ જણાવે છે.

બેઠકમાં ઉપસ્થિત હાઉસિંગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે. એસ. પ્રજાપતિએ પણ સભ્યોની લાગણી-માગણી સાથે સંમતિ દર્શાવી હોઇ આગામી દિવસોમાં આ અંગેની કાયદાકીય પ્રક્રિયા આટોપી લેવાશે. બિ‌િપન પટેલ વધુમાં કહે છે કે ટૂંક સમયમાં ‘ઝૂંપડું ત્યાં મકાન’ નીતિ હેઠળ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે શહેરની ૧૩ જગ્યાએ વધુ ૭૩રપ મકાનનું નિર્માણ કરાશે. આ દિશામાં કવાયત આરંભાઇ ગઇ છે.
http://sambhaavnews.com/

You might also like