પૂજા કાદિયાને ઇતિહાસ રચ્યોઃ વુશુ વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતને ગોલ્ડ અપાવ્યો

નવી દિલ્હીઃ પૂજા કાદિયાને ગઈ કાલે કજાનમાં આયોજિત વુશુ વિશ્વ ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચતાં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. વુશુ વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતનો અત્યાર સુધીમાં આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. પૂજા કાદિયાન મહિલાઓના ૭૫ કિલો સાંદા વર્ગમાં ટોચ પર રહી. ફાઇનલમાં તેણે રશિયાની એવગેનિયા સ્ટેપાનોવાને પરાજિત કરી. પૂજા કાદિયાને આ પહેલાં સેમિફાઇનલમાં ઇજિપ્તની હેબા અબ્દેલકદારને ૨-૦થી હરાવી હતી.

આ સિઝનમાં ભારતે કુલ પાંચ મેડલ જીત્યા છે. રમેશચંદ્રસિંહ મોઇરંગથમ (પુરુષ, સાંદા ૪૮ કિલો), ભાનુપ્રતાપસિંહ (પુરુષ, સાંદા ૬૦ કિલો) અને રાજેન્દ્રસિંહ (પુરુષ, સાંદા ૯૦ કિલો)એ બ્રોન્ઝ મેડલ ભારતની ઝોળીમાં સરકાવી લીધા છે. મહિલાઓના વર્ગમાં અરુણપેમા દેવી કેઇશમે ૬૫ કિલો સાંદા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. અરુણપેમાએ ક્વાર્ટર ફાઇનલમાં સ્વિટ્ઝર્લેન્ડની પ્રીસેલા સ્ટેબુલીને ૨-૦થી પરાજિત કરી હતી. હાલ ચેમ્પિયનશિપમાં ચીન ૧૫ મેડલ જીતીને ટોચ પર ચાલી રહ્યું છે. ઈરાન આઠ મેડલ સાથે બીજા સ્થાન પર છે.

You might also like