મહેનત સાથે કિસ્મત પણ જોઈએઃ પૂજા

મૂળ કર્ણાટકની રહેવાસી પૂજા હેગડેએ અભિનયની શરૂઆત તામિલ ફિલ્મોથી કરી. ત્યારબાદ હિંદી ફિલ્મ ‘મોહનજોદરો’ દ્વારા બોલિવૂડમાં આવી, પરંતુ તેને સફળતા ન મળી શકી. હજુ તેનો સંઘર્ષ ચાલુ છે.

બોલિવૂડ અને દક્ષિણ ભારતીય ઉદ્યોગમાં તેને ખાસ કોઇ અંતર લાગતું નથી. તે કહે છે કે દક્ષિણ ભારતીય નિર્દેશકો સાથે કામ કરવું એ એક સારો અનુભવ છે. દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગ ખૂબ જ સુનિયોજિત, સંગઠિત અને કામકાજમાં પાબંધ છે. શરૂઆતમાં ભાષાના કારણે મને તે ફિલ્મોમાં કામ કરવામાં પ્રોબ્લેમ થતો હતો, પરંતુ જિંદગીમાં કંઇક પામવા માટે તમારે મહેનત કરવી પડે છે અને તમારું સર્વશ્રેષ્ઠ આપવું પડે છે. હવે મને ત્યાંની ફિલ્મોમાં મુશ્કેલી થતી નથી.

એવું સાંભળવા મળ્યું છે કે પૂજા હેગડે સૂરજ પંચોલી સાથે પણ એક ફિલ્મ કરી રહી છે, જોકે પૂજા કહે છે કે સૂરજ પંચોલી લીડ રોલમાં હોય તેવી એક ફિલ્મની ઓફર મને આવી છે, પરંતુ મેં હજુ તે ફિલ્મ માટે હા કહી નથી. વાતચીત હજુ શરૂઆતના તબક્કે છે.

પોતાની ભાવિ યોજનાઓ અંગે જણાવતાં પૂજા કહે છે કે હજુ દક્ષિણ ભારતની કેટલીક ફિલ્મોમાં હું કામ કરી રહી છું. ત્યાં જિંદગી ખૂબ જ વ્યસ્ત હોય છે, પરંતુ હું દરેક પળ તેનો આનંદ ઉઠાવી રહી છું. હું સ્ટાર નથી, પરંતુ સારી અભિનેત્રી તરીકે ખુદને સ્થાપિત કરવા ઇચ્છું છું. આ ઉદ્યોગમાં સફળતા માટે લગન અને સખત મહેનત સાથે થોડું ભાગ્ય પણ જરૂરી છે.

You might also like