ઉત્તર પ્રદેશ અને બિહારની પેટા ચૂંટણી માટે આવતી કાલે મતદાન

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં ગોરખપુર અને ફુલપુર તેમજ બિહારમાં અરરિયા લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે આવતી કાલે મતદાન કરવામાં આવશે. આ માટે ગઈ કાલે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઈ ગયાં છે.

યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ગોરખપુરમાં તો પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે ફુલપુરમાં રોડ શો કર્યો હતો અને બાદમાં સભાને સંબોધી હતી. જ્યારે કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર સહિત અન્ય નેતાઓ આખરી સમય સુધી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા.

આ ઉપરાંત બસપાના ઝોન કો.ઓર્ડિનેટરોથી લઈને બૂથ સ્તરના પદાધિકારીઓએ પણ સપાની તરફેણમાં પ્રચાર કર્યો હતો.ફુલપુર સંસદીય મત વિસ્તારમાં કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે ઝૂંસીમાં ભાજપના ઉમેદવાર કૌશલેન્દ્રસિંહ પટેલની તરફેણમાં વૈશ્ય સમુદાયને મતદાન કરવા અપીલ કરી હતી. આવી જ રીતે સમાજવાદી પાર્ટી માટે પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે બમરોલીથી લઈને ફાફામઉ સુધી રોડ શો કર્યા બાદ સભાનું આયોજન કર્યું હતું.

જેમાં સપાના પ્રદેશ પ્રમુખ નરેશ ઉત્તમ પટેલ અને સાંસદ ધર્મેન્દ્ર યાદવે પણ અનેક સભામાં ભાગ લીધો હતો. તેમજ તેમના પક્ષના ઉમેદવાર ઉમેદવાર નાગેન્દ્ર પ્રતાપ તરફી વાતાવરણ ઊભું કરવા પ્રયાસ કર્યો હતો.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રાજ બબ્બર અને સંજયસિંહ સહિતના અન્ય નેતાઓએ તેમના ઉમેદવાર મનીષ મિશ્રા તરફી વાતાવરણ ઊભું કરવા પ્રયાસો કર્યા હતા. ગોરખપુરમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ ગઈ કાલે તેમના વિસ્તારના મતદારોને ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર શુકલને વિજેતા બનાવવા અપીલ કરી હતી.

You might also like