નાગાલેન્ડના તિજિતમાં બ્લાસ્ટ વચ્ચે મતદાન ચાલુઃ એકને ઈજા

નવી દિલ્હી: પૂર્વોત્તરનાં બે રાજ્ય મેઘાલય અને નાગાલેન્ડમાં આજે વિધાનસભાની ચૂંટણી અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે ત્યારે નાગાલેન્ડના તિજિત શહેરમાં એક મતદાન મથક નજીક સવારે બ્લાસ્ટ થતાં એક વ્યકિતને ઈજા થતાં અફરાતફરી મચી ગઈ હતી. બ્લાસ્ટના કારણે મતદાન કેન્દ્રના ફર્નિચરને નુકસાન થયું હતું.

નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભાની ચૂંટણી માટે આજે સવારના સાત કલાકથી મતદાન શરૂ થઈ ગયું હતું. જે સાંજના ચાર વાગ્યા સુધી ચાલશે. જોકે નાગાલેન્ડના કેટલાક અંતિરયાળ જિલ્લામાં બપોરે ત્રણ વાગે મતદાન સમાપ્ત થઈ જશે. જ્યારે આ બંને રાજ્યનાં પરિણામ આગામી ત્રીજી માર્ચે જાહેર કરવામાં આ‍વશે.

આજે સવારે શરૂ થયેલા મતદાનમાં ઈવીએમને કારણે કેટલાંક મતદાન મથકો પર વોટિંગ શરૂ થવામાં વિલંબ થયો હતો. પરંતુ બાદમાં કામગીરી આગળ વધતાં મતદાનમાં વધારો થયો હતો. વડા પ્રધાન મોદીએ ટિવટ કરી મેઘાલય અને નાગાલેન્ડની જનતાને વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.

મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ૬૦-૬૦ સીટ છે. પરંતુ બંને રાજ્યમાં ૫૯ સીટ માટે આજે મતદાન થઈ રહ્યું છે. મેઘાલયમાં ગત ૧૮મીએ ઈસ્ટ ગારો હિલ્સ જિલ્લામાં એક આઈઆઈડી વિસ્ફોટમાં એનસીપીના ઉમેદવાર જોનાથન એન સંગમાનું મોત થતાં વિલિયમનગર સીટની ચૂંટણી રદ કરી દેવાઈ હતી.

જ્યારે નાગાલેન્ડમાં એનડીપીપીના પ્રમુખ નીફિયુ રિયોને ઉત્તર અંગામી સીટ પરથી બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવતાં ત્યાં પણ ૫૯ સીટ માટે મતદાન થઈ રહ્યું છે. નાગાલેન્ડમાં નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગેસિવ પાર્ટી સાથે ભાજપે ગઠબંધન કરી ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

જેમાં અેનડીડીપીએ ૪૦ અને ભાજપે ૨૦ ઉમેદવાર ઊભા રાખ્યા છે. બીજી તરફ મેઘાલયમાં કુલ ૩૭૦ ઉમેદવાર મેદાનમાં છે. જેમાં કોંગ્રેસે ૫૯ અને ભાજપે ૪૭ સીટ પર તેના ઉમેદવારને ઉતાર્યા છે. હાલ બંને રાજ્યમાં વોટિંગ ચાલી રહ્યું છે.

You might also like