આયુર્વેદના ડોક્ટરથી ગોવાના CM: પારિકરના માર્ગદર્શનમાં રાજનીતિની શરૂઆત કરી હતી

(એજન્સી) મડગાંવ: પ્રમોદ સાવંતે ગોવામાં મનોહર પારિકરનો વારસો સંભાળ્યો છે. ૪૬ વર્ષીય સાવંત ગોવામાં ભાજપના એકમાત્ર ધારાસભ્ય છે, જેઓ આરએસએસ કેડરમાંથી આવે છે. ગોવાના સીએમ બનતાં પહેલાં તેઓ પક્ષના પ્રવક્તા અને ગોવા વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂક્યા છે. ર૦૧૭માં ભાજપના નેતૃત્વવાળી સરકાર બની ત્યારે તેમને વિધાનસભા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેઓ કોઈ પણ વિધાનસભામાં સૌથી નાની ઉંંમરના અધ્યક્ષ હતા.

પારિકરની કેન્સરની બીમારીની વાત બહાર આવ્યા બાદ પ્રમોદ સાવંત ગત વર્ષના ઓક્ટોબરમાં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતને પણ મળ્યા હતા. સૂત્રોનો દાવો છે કે એ બેઠકમાં જ સાવંતે પોતાની સીએમપદની દાવેદારી રજૂ કરી હતી.

સૌથી રસપ્રદ વાત એ છે કે મનોહર પારિકરે જ સાવંતને રાજનીતિના પાઠ શીખવ્યા હતા અને તેઓ હંમેશાં પારિકરની ગુડ બુકમાં રહ્યા હતા. સાવંતે હંમેશાં અંગત મહેચ્છાઓ કે આશાને પક્ષની જવાબદારીના કારણે બાજુએ મૂકી દીધી હતી અને એક વફાદાર સૈનિકની જેમ જે જવાબદારી મળી તે નિષ્ઠાપૂર્વક નિભાવી હતી.

પ્રમોદ સાવંત ગોવાના બિચોલિમ તાલુકાના એક ગામ કોંબીના રહેવાસી છે. તેઓ બાળપણથી જ આરએસએસ સાથે જોડાયા હતા. સંઘ તરફના ઝુકાવના કારણે જ હિન્દુત્વની વિચારધારા પ્રત્યે તેમનામાં સમર્પણની ભાવના પ્રકટી હતી. તેમના પિતા પાંડુરંગ સાવંત પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય રહી ચૂક્યા છે. તેઓ ભારતીય જનસંઘ, ભારતીય મજદૂર સંઘના સક્રિય સભ્ય હતા. ભાજપના વફાદાર કાર્યકર તરીકે તેમની એક આગવી ઓળખ હતી.

સાવંતે આયુર્વેદ ઔષધિમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ પોસ્ટ ગ્રેજ્યુએશન સામાજિક કાર્યના વિષયમાં કર્યું હતું. તેમણે મેડિકો-લીગલ સિસ્ટમનો પણ ઊંડો અભ્યાસ કર્યો છે. તેમની રાજનીતિમાં એન્ટ્રી વર્ષ ર૦૦૮માં ભાજપ નેતૃત્વના આગ્રહ બાદ થઈ હતી. સાંકેલિમ (હવે સાખલી) બેઠક ખાલી થઈ હતી, જેના પરથી સાવંતને ચૂંટણી લડવાનું કહેવાયું હતું. એ સમયે તેઓ માપુસા સ્થિત ઉત્તર જિલ્લા હોસ્પિટલમાં આયુર્વેદના ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. ભાજપના શીર્ષ નેતૃત્વના આગ્રહ બાદ તેમણે પોતાની સરકારી નોકરી છોડી દીધી અને ભાજપના ઉમેદવાર તરીકે તેઓ પેટાચૂંટણી લડ્યા હતા.

એ પેટાચૂંટણીમાં જોકે સાવંતની હાર થઈ હતી, પરંતુ વર્ષ ર૦૧રમાં વિજેતા બનીને તેઓ ઊભર્યા અને ત્યારબાદ તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. ર૦૧૭ની ચૂંટણીમાં તેઓ ફરી એક વખત સાખલીથી ચૂંટાઈને ગોવા વિધાનસભામાં આવ્યા. એ વખતે મનોહર પારિકરના નેતૃત્વવાળી સરકારમાં તેમને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

You might also like