નેતાઓ મજાક માટેનું ઇંધણ પૂરું પાડે છે

સમઢિયાળાની દલિત અત્યાચારની ઘટના તરફ આખા દેશનું ધ્યાન દોરાયું છે. પોતાના પક્ષની સ્થિતિ મજબૂત કરવા રાજકીય નેતાઓ યથાશક્તિ પ્રયત્નો કરી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અને આપ વડા અરવિંદ કેજરીવાલ, બહુજન સમાજવાદી પક્ષના વડા માયાવતી, જેડીયુના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવ વગેરે સમઢિયાળાના પીડિત પરિવારોની મુલાકાત લઈ રહ્યા છે.

ગૌ રક્ષાના નામે થયેલું આ જઘન્ય કૃત્ય બેશક નિંદનીય છે. પરંતુ રાજકીય વડાઓની ઉપરાછાપરી મુલાકાતો તેને તમાશાનું રૂપ આપી રહ્યા છે. એવામાં મુલાકાતના દૌરની આત્યંતિક સ્થિતિના રમૂજી ટુચકાઓ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે. હવે પછી સમઢિયાળાની મુલાકાતે કોણકોણ આવી રહ્યું છે તેની નકલી યાદી વોટ્સએપમાં ફરતી થઈ છે.

આ યાદીમાં તારીખ ૨૫ જુલાઈથી ૬ ઓગસ્ટ સુધી અનુક્રમે લાલુ, નિતીશ, મમતા, કરુણાનિધિ, મુલાયમ, મનમોહન, યુનાઈટેડ નેશનનાં પ્રમુખ મોજેક લિક્ટોફ, ઉત્તર કોરિયાના અધિનાયક કિમજોંગ ઉન, ચીનના પ્રમુખ શી જિયાંગ, રશિયાના પ્રમુખ પુતિન, અમેરિકા પ્રમુખ ઓબામા, ફ્રાન્સ પ્રમુખ ફ્રાન્સવા ઓલાન્દ, સોમાલિયા પ્રમુખ હસન શેખ આવી રહ્યા છે.

નીચે વધુ વ્યંગાત્મક વાણીમાં લખ્યું છે કે અન્ય નેતાઓની સૂચિ તૈયાર થઈ રહી છે. ૩૧ ડિસેમ્બર સુધીનો કાર્યક્રમ છે. જોકે યાદીમાં લખાયેલાં નામોમાં પણ રમૂજ હોય તેમ અઢળક ભૂલો રહેલી છે. સમઢિયાળાની આ ઘટના અતિ નિંદનીય અને વખોડવાલાયક છે પણ નેતાઓની અતિરેકભરી ચેષ્ટાઓને કારણે સોશિયલ મીડિયા પર ક્રિએટિવિટી ખીલી રહી છે.

You might also like