પીડિત દલિતોની મુલાકાતે રાજકારણીઓ, આજે પણ બંધના પડઘમ

અમદાવાદઃ ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારને પગલે રાજકિય માહોલ ગરમાયો છે. ત્યારે વિવિધ રાજકિય નેતાઓ દ્વારા પીડિત દલિતો અને પરિવારને સાત્વના આપવા માટેની હોળ જામી છે. ગઇકાલે ગુજરાતના સીએમ આનંદી બહેન પીડિત દલિત પરીવાર અને ભોગ બનાર દલિતોને મળ્યા હતા. ત્યારે આજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ પીડિત દલિત પરીવાર અને અત્યાચારનો ભોગ બનેલા દલિતોને મળવા આવવાના છે. દિવ એરપોર્ટ પર ઉતરી તેઓ ઉના પીડિતોની મુલાકાતે જશે. રાજ્યસભાના સભ્ય અને પૂર્વ ઉડ્ડિયનમંત્રી પ્રફૂલ પટેલ પણ પીડિત દલિતોને મળવા માટે ઉના આવવાના છે.

તો આ તરફ દલિતોના અત્યાચારને પગલે રાજ્યમાં અજંપાભરી સ્થિતિ સર્જાઇ છે. દલિતો રસ્તા પર ઉતરીને વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે. ગઇ કાલે ભારતીય દલિત પૈન્થર સમાજ દ્વારા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું.  ત્યારે આજે બીજા દિવસે પણ રાજ્યના વિવિધ શહેરોમાં બંધની પરિસ્થિતી જોવા મળી રહી છે. લિંમડી ખાતે દલિત સમાજ દ્વારા રેલી યોજવામાં આવી છે. તો કુતિયાણા દલિત સમાજ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને પગલે શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે. તો આ તરફ મોડાસા વેપારી એસોશિયેશન દ્વારા આજે મોડાસા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. અમેરલીના ધારી ગામમાં પણ બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં દલિતો દ્વારા શાંતી રેલી યોજવામાં આવી છે. સાથે જ તેઓ મામલતદારને આવેદન પત્ર પણ આપશે.

You might also like