રાજકારણી હોય તે યુનિ.માં પગરખા બહાર મૂકીને પ્રવેશે : ગુણવંત શાહ

વડોદરા : મ.સ. યુનિ.ના ૬૪મા વાર્ષિક પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન બનેલા જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી પ્રો. ગુણવંત શાહે ટુંકુ પરંતુ ચોટદાર અને વેધક વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આજે હું મારી પ્રિય યુનિવર્સિટીમાં યુવાન વિદ્યાર્થીઓને મળવા આવ્યો છું. મેં મારા જીવનનાં વાસંતી વર્ષો આ યુનિવર્સિટીમાં ગાળ્યાં છે. વિદ્યાર્થી તરીકે પાંચ વર્ષ અને પ્રાધ્યાપક તરીકે બીજા બાર વર્ષ !

તમારા જેવા યુવાનો સમક્ષ હૃદયમાં ઊગેલી બે-ત્રણ વાતો કરવાનો મારો ઉમળકો આજે હૃદયમાં ઉછાળા મારી રહ્યો છે. ઔપચારિકતા અને ઉમળકા વચ્ચેની ખેંચાતાણીમાં આ ક્ષણે ઉમળકો જીતી જતો જણાય છે. પરિણામે હું દિલની વાતો કરવા માગું છું. ૧૯૬૦-૬૧ના વર્ષમાં હું ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાઇકોલોજીમાં એમ.એડ્.નો વિદ્યાર્થી હતો અને પ્રથમ વર્ગમાં પ્રથમક્રમે ડિગ્રી પ્રાપ્ત કરી હતી. મારી ભાવિ પત્ની અવંતિકા તે જ વર્ષમાં સરોજિની દેવી હોસ્ટેલમાં રહીને ભણતી હતી.

અમારું ડેટિંગ નિયમિતપણે ચાલતું હતું. એક બાજુ કરિયર હતી અને બીજી બાજુ સહજ આકર્ષણ હતું. એચ.જી. વેલ્સની નવલકથા મારી માનસિકતાને પ્રગટ કરનારી હતી.નવલકથાનો નાયક લૂઇશામ ભણીને કરિયર બનાવવા આતુર હતો. એની વિદ્યોપાસના ચાલુ હતી ત્યારે જ એ એક યુવતી ભણી ખેંચાયો તેથી અભ્યાસમાં પાછો પડયો ! આખી નવલકથા જ્ઞાનની સાધના અને પ્રેમની પરાકાષ્ઠા વચ્ચે ચાલતા તુમુલ સંઘર્ષની કથા છે. મારી સ્થિતિ કયારેક કયારેક મિસ્ટર લૂઇશામ જેવી થતી.

આ યુનિવર્સિટીમાં ભણતો હતો ત્યારે મને મહારાજા સયાજીરાવ પ્રત્યે અત્યંત ઊંડો આદર પેદા થયો. મહારાજા સયાજીરાવ કેવા હતાં ? થોડીક રસપ્રદ વાતો કરૂ.દુનિયામાં તમે ગમે ત્યાં જાઓ, તમને કોર્ટ જોવા મળશે, પરંતુ કયાંય ‘ન્યાયમંદિર’ જોવા નહીં મળે. કેવળ વડોદરામાં જ ન્યાયમંદિર જેવો મૌલિક શબ્દપ્રયોગ લોકોમાં પણ પ્રચલિત છે. ‘અમર’ ફિલ્મમાં મોહંમદ રફીના કંઠે ગવાયેલા ગીતમાં ‘ઇન્સાફ કા મંદિર’ની મધુર માવજત થઇ છે.

ન્યાય પવિત્ર છે માટે ન્યાયનું મંદિર પણ પવિત્ર છે. આ હતું મહારાજા સયાજીરાવનું દર્શન !દુનિયામાં એન્જીનિયરીંગ કોલેજોની સંખ્યા ઓછી નથી, પરંતુ તમને કયાંય ‘કલાભવન’ જેવો શબ્દપ્રયોગ સાંભળવા નહિ મળે. કેવળ વડોદરામાં જ તમને ‘કલાભવન’ જેવો શબ્દ સાંભળવા મળશે. આ હતું મહારાજા સયાજીરાવનું દર્શન ! આ શહેરમાં સયાજીગંજ ટાવર પર ઘડિયાળના ચંદામાં હિન્દી આંકડા જોવા મળે છે.

દેશના હિન્દીભાષી પ્રદેશોમાં પણ ટાવરોમાં ઘણુંખરૂ અંગ્રેજી આંકડા હોવાના. આ હતુ મહારાજા સયાજીરાવનું દર્શન ! દેશ અને દુનિયામાં બંબાખાના ઘણાં હોવાના, પરંતુ બંબાખાના માટે કયાંય ‘અગ્નિશાંતિ કેન્દ્ર’ જેવો શબ્દપ્રયોગ સાંભળવા નહીં મળે. એ શબ્દ પ્રયોગ કેવળ વડોદરામાં જ પ્રચલિત છે. આ હતું મહારાજા સયાજીરાવનું દર્શન !

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારૂ ચાલે તો આપણી બધી યુનિવર્સિટીઓના પ્રવેશદ્વાર પર એક સૂચના લખીને મુકાવું ‘જેઓ રાજકારણી હોય તેમણે પોતાના પગરખાં બહાર મૂકીને આ યુનિવર્સિટીમાં પ્રવેશવું’ તેમજ ડૉ. ઝાકીર હુસૈને કહ્યું હતું ‘શિક્ષણમાં રાજકારણ પ્રવેશે તેને બદલે રાજકારણમાં થોડુંક શિક્ષણ પ્રવેશે તો કેવું ?’ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું.

You might also like