નેતાઓ માટે રોકડ ઉપાડ મર્યાદા વધારવા RBIનો ઈનકાર

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ચૂંટણી ખર્ચ માટે રાજકીય ઉમેદવારોને સાપ્તાહિક રોકડ ઉપાડ મર્યાદા વધારવા માટે ચૂંટણી પંચે કરેલી અપીલ ફગાવી દીધી છે. રિઝર્વ બેન્કના આ ઈનકારને પગલે પાંચ રાજ્યોની આગામી ચૂંટણીમાં ઉમેદવારોએ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ કે ચેક પર વધારે મદાર રાખવો પડશે.

આ ઘટના અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે આરબીઆઈએ આ વિનંતી ફગાવી દીધી છે. ચૂંટણી પંચે એ‍વું સૂચન કર્યું હતું કે હાલ વ્યક્તિગત ખાતા ધારક દ્વારા ઉપાડની મર્યાદા ૨૪,૦૦૦ છે તે વધારીને સાપ્તાહિક મર્યાદા બે લાખની કરવામાં આવે. જોકે આરબીઆઈએ આ સૂચનનો કોઈ પ્રતિસાદ આપ્યો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં ફેબ્રુઆરી અને માર્ચમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે. ૮ નવેમ્બરે નોટબંધીના નિર્ણયના પગલે બેન્કમાંથી રોકડ ઉપાડની મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. એવા મીડિયા અહેવાલો હતા કે ફેબ્રુઆરીના અંત સુધીમાં આ મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે, કારણ કે હવે નવી કરન્સી નોટ મોટા પાયે છાપવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં આ નવી નોટ ચલણમાં આવશે. ચૂંટણી લડતા ઉમેદવારોએ ચૂંટણી સંબંધિત ખર્ચ માટે બેન્ક ખાતું ખોલાવવાનું પડે છે અને તેનું મોનિટરિંગ ચૂંટણી પંચ કરતું હોય છે.
http://sambhaavnews.com/

You might also like