ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો સોશિયલ મીડિયા પર સક્રિય

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે માત્ર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સક્રિય થઈ ગઈ છે. ગુજરાતમાં જીપીપી બાદ વિધાનસભામાં પ્રથમવાર જ ત્રીજો પક્ષ તરીકે આપ પણ આગળ આવી રહ્યો છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ત્રણે પક્ષો તેમના મુદ્દાઓ અને પ્રચાર બાબતે સોશિયલ મીડિયા પર સક્રિય થઈ ગયા છે.

સ્માર્ટ બનતા ભારતમાં રાજકીય પક્ષો પણ વધુ ને વધુ સ્માર્ટ બની રહ્યા છે. ભારતની ગણના યુવાઓના દેશ તરીકે થાય છે ત્યારે મોટા ભાગના યુવાઓ સોશિયલ મીડિયા પર સક્રિય થઈ રહ્યા છે જેનો લાભ રાજકીય પક્ષો ઉઠાવી રહ્યા છે. ભાજપ કોંગ્રેસ બાદ ગુજરાતમા સક્રિય થયેલા આમ આદમી પાર્ટી ગુજરાત અને રાષ્ટ્રીય મુદ્દા પર ફેસબુક, ટ્વિટર તથા વોટસ એપ પર સરકાર તરફી કે વિરૂદ્ધના મેસેજ ફરતા કરે છે.

કેન્દ્ર તથા ગુજરાતમાં ભાજપની સરકાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રચારમાં સૌથી વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો છે. જેમાં તેઓ ટેકનોલોજી સાથે થ્રીડી સભાઓ યોજી હતી. જ્યારે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા કામો પર મુખ્ય પ્રધાન ટ્વિટર હેંડલ સાથે ફેસબુક પર વધુ સક્રિય થયા છે. ગુજરાતમાં ભાજપની વાત કરીએ તો ફેસબુક પર 17 લાખ ફોલોઅર્સ છે જે અન્ય પાર્ટી કરતાં સૌથી વધુ છે. જ્યારે 1.85 લાખ ટ્વિટર ફોલોર્સ છે. ભાજપના દરેક જીલ્લા તથા શહેરોમાં સોશિયલ મીડિયા સેલ દ્વારા સતત અપડેટ કરવામાં આવે છે.

ભાજપ તેની સરકાર દ્વારા કરવામાં આવેલી સિદ્ધીઓ સામે કોંગ્રેસ ભાજપ કયા મોરચે નિષ્ફળ ગયું છે તે સોશિયલ મીડિયા દ્વારા દર્શાવી રહ્યું છે. કોંગ્રેસ સોશિયલ મીડિયા પર સતત કાર્યરત હોવાનું કહી રહ્યું છે. કોંગ્રેસનો દાવો છે કે દેશમાં ભાજપ વિરૂદ્ધમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવામાં તે સફળ રહ્યું છે. મોદી ફેઈલ્સ સાથે કરેલી ટ્વિટ ટ્રેન્ડ થઈ હતી. કોંગ્રેસ પાસે છસોથી પણ વધારે કાર્યકર્તાઓની ફોજ સોશિયલ મીડિયા માટે કાર્યરત છે. જ્યારે હજારોની સંખ્યામા વોટસ એપ દ્વારા મેસેજ ફોરવર્ડ કરવામા આવે છે. કોંગ્રેસ ફેસબુક પર ફોલોઅર ઓછા જોવા મળી રહ્યા છે. જે 1.20 લાખ છે જ્યારે ટ્વિટર પર આઠ હજાર ફોલોઅર છે.

લોકસભામાં નરેન્દ્ર મોદી બાદ દિલ્હીમાં આમ આદમી પાર્ટી સોશિલ મીડિયાના ઉપયોગમાં સૌથી સફળ રહી છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં જંપલાવી રહી છે ત્યારે ગુજરાતમાં સોશિયલ મીડિયા પર સૌથી વધુ સક્રિય થઈ રહી છે. આપ ગુજરાતમાં તમામ વિધાનસભા બેઠક, લોકસભા બેઠક તથા ગુજરાતના મુખ્ય શહેરોમાં ફેસબુક પેજ બનાવવામાં આવ્યા છે. ગુજરાતના ફેસબુક પેજ પર 2.38 લાખ ફોલોઅર્સ જ્યારે ટ્વિટર પર સાત હજારથી વધુ ફોલોઅર્સ ટૂંકા ગાળામાં બનાવી ચૂકી છે.

ગુજરાતના ઈતિહાસમા પાટીદાર અનામત આંદોલને મહત્વનું સ્થાન મેળવ્યું છે. અનામત આંદોલન પણ સોશિયલ મીડિયાના જોર પર લડાયું અને સફળ પણ રહ્યું છે. ગુજરાતમાં પ્રથમ વાર એવું બન્યું છે કે અનામત આંદોલ બાદ ફાટી નીકળેલા તોફાનના પગલે એક સપ્તાહ સુધી સોશિયલ મીડિયા પર પોલીસે પાબંદી લગાવી દિધી હતી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકાર અને વિપક્ષો વધુને વધુ સોશિયલ મીડિયા તરફ જઈ રહ્યા છે ત્યારે મતદારો કઈ તરફ વળે છે કેમ તે તો આગામી સમય જ બતાવશે.

You might also like