રાજકીય પક્ષોને અપાતું દાન ડિજિટલી શા માટે નહીં?

રાજકીય પક્ષોને મળતાં નાણાં અંગે ચૂંટણીપંચે તાજેતરમાં ઠરાવ્યું કે રોકડમાં અપાતાં દાનની રકમ રૂ. ૨૦,૦૦૦ને બદલે રૂ. ૨૦૦૦ જ રાખવામાં આવે. હકીકતમાં ચૂંટણીપંચનો આ પ્રસ્તાવ લાંબા સમયથી ચાલી રહેલી ચૂંટણી સુધારાઓની ચર્ચામાંનો જ એક છે. સારું થયું કે વડા પ્રધાનના નોટબંધીના નિર્ણયને અનુલક્ષીને લેવાયેલો આ નિર્ણય પણ છેવટે તો કાળા ધન સામે જ લાલ આંખ સમાન છે, પરંતુ હાલના તબક્કે એવા અનેક ચૂંટણી સુધારાઓની જરૂર છે, જે વડા પ્રધાને શરૂ કરેલા કાળાં નાણાં સામેના જંગમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે.

થોડા સમય પહેલાં વડા પ્રધાને એક ચર્ચા છેડી હતી તેમાં તેમનું કહેવું એવું હતું કે દેશમાં લોકસભા, વિધાનસભા અને પંચાયતીરાજ એમ ત્રણેય સ્તરની ચૂંટણીઓ એક સાથે યોજવી જોઈએ જેથી નાણાંનો બગાડ ઓછો થાય. જોકે આ સૂચન પણ ઉપરથી સારું લાગે એવું ભલે હોય, તેનાં ખૂબ માઠાં પરિણામો પણ કેવાં કેવાં આવી શકે તેની અત્યંત સઘન ચર્ચા થવી ઘટે. દેશભરમાં દરેક સ્તરે વિશદ્ છણાવટ, અભ્યાસ સાથે પૂર્વગ્રહો સિવાય તંદુરસ્ત ચર્ચા-વિચાર-વિમર્શ થાય પછી જ ખ્યાલ આવે કે વડા પ્રધાનનો વિચાર કેટલો ઉપયોગી થઈ શકે છે. જો આવા મહત્ત્વના મુદ્દે પણ નોટબંધીની માફક વિચાર સૂઝે અને ‘ઐતિહાસિક’ અમલ શરૂ થઈ જાય તો નવા નવા વિચારોના અમલની સાથે સાથે દેશભરમાં ‘ડેમેજ કંટ્રોલ’ની સરકાર જ થઈ જાય. તેવું ન બને તે ઇચ્છનીય છે.

હા, સારી બાબત માટે વડા પ્રધાન ચૂંટણીસુધારામાં એક પરિવર્તન તો આજે જ લાવી શકે તેમ છે. તે એ છે કે રાજકીય પક્ષોને મળતાં કોઈ પણ દાન ડિજિટલી જ સ્વીકારવાં જોઈએ. અલબત્ત, દાન આપનારે રોકડ કે ચેકથી રકમ આપવાના બદલે ડિજિટલ પેમેન્ટ દ્વારા જ રાજકીય પક્ષોને દાન આપવાનું સરકાર ઠરાવી શકે તેમ છે. સરકારનો આવો નિર્ણય કાળાં નાણાંને ડામવાની તેની નિષ્ઠાને વધુ સાબિત કરશે. એટલું જ નહીં, પ્રજા સાથે પારદર્શિતા વધવાથી પ્રજાનો સરકાર પ્રત્યેનો આદર પણ વધશે.

આમ જોઈએ તો રાજકીય ઇચ્છાશક્તિ દાખવી રહેલા વડા પ્રધાન પાસેથી પ્રજાની અપેક્ષાઓ પણ સ્વાભાવિક રીતે જ ઘણી વધારે છે. અને એમાંયે કોઈ પણ પ્રકારના ‘સ્વચ્છતા’ અભિયાનની વાત હોય તો લોકો હજી બીજા કોઈ પણ કરતાં તેમની પાસે જ આશા વધુ રાખે છે. હાલ દેશમાં નવાંનવાં પરિવર્તનોનું વાતાવરણ પણ બનેલું છે. લોકો પરિવર્તનના પવનમાં શક્ય તેટલો સહયોગ પણ આપી રહ્યા છે ત્યારે સરકારે આગળ આવીને રાજકીય પક્ષોને અપાતા દાનની ચુકવણી માત્ર ડિજિટલી જ થાય તે નિર્ણય વિનાવિલંબે લઈને કાળાં નાણાં સામેની લડાઈમાં પ્રજા અને રાજકીય પક્ષો સૌ સમાન છે તેવો અંદેશ પાઠવવામાં આવશે તો ડિજિટલ ઇકોનોમીની સંકલ્પના સાથે સાથે કાળાં નાણાં સામેની લડાઈને પણ બળ મળશે જ.

કેન્દ્ર સરકાર માટે જોઈએ તો નોટબંધીનો મુદ્દો હવે પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે. નોટબંધીનો નિર્ણય ઉતાવળિયો, વગર વિચારાયેલો કે અપરિપક્વ નથી તે સિદ્ધ કરવા સરકારે અને વડા પ્રધાને લોકમાનસમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય તેવા પણ કેટલાક વધુ નિર્ણયો કરવા પડશે. પ્રજા અને શાસકોને માટે કાયદો સમાન છે તેવું દર્શાવવા માટે તથા કાળાં નાણાં સામેનો વડા પ્રધાનનો જંગ ૧૦૦ ટકા શુદ્ધ અને પવિત્ર જ છે તેવું વગર કહ્યે સાબિત કરવું હોય તો રાજકીય પક્ષોને દાન ડિજિટલ ચુકવણીથી થાય તેવો નિર્ણય સરકાર કરી જ શકે છે.

વિચારવાનું એ છે કે સરકાર આ વિષયને નિષ્ઠા અને કાળાં નાણાં સામેના જંગની પ્રતિબદ્ધતા સાથે જોડે છે કે રાજકીય મજબૂરી, લાચારી અને અસમર્થતા સાથે, તે સમય જ કહેશે.

You might also like