પોલિયો રસીકરણનું ધુપ્પલઃ વિરાટનગરમાં સગીર વયના બે કિશોરોને રસી પીવડાવી!

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા બાળકોને રોગપ્રતિકારક રસીઓ જેવી કે બીસીજી, પેન્ટાવેલેન્ટ, ત્રિગુણી, ઓરી, ટીટી હિપેટાઇટિસ-બી અને પોલિયોની રસી આપવાની કામગીરી કરવામાં આવે છે તેમાં પણ તંત્ર દ્વારા પોલિયોની રસી પીવડાવવાનો સમયાંતરે યોજાતો કાર્યક્રમ ભારે ધામધૂમથી ઊજવવામાં આવે છે. એક મહિના પહેલાંની ઝુંબેશ દરમ્યાન વિરાટનગરમાં સગીર વયના કિશોરોએ રસી પીવડાવી હોવાની ચોંકાવનારી માહિતી જાણવા મળી છે.

કોર્પોરેશનના જન્મ-મરણ વિભાગ દ્વારા શહેરભરમાં બાળકોને પોલિયો સહિતની રોગપ્રતિકારક રસી અપાય છે. રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ મુજબ બાળકને જન્મના દોઢ મહિને અને અઢી મહિને પોલિયોની રસી અપાય છે ઉપરાંત પાંચ વર્ષ સુધીના બાળકને પોલિયોની રસી અપાતી હોય છે. જે અંતર્ગત છેલ્લા તબક્કામાં ઘરે ઘરે ફરીને પણ આ રસીનો ડોઝ પીવડાવાય છે. આમ તો વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સમગ્ર દેશને ગત તા.ર૭ માર્ચ, ર૦૧૪એ પોલિયોમુક્ત દેશ જાહેર કરાયો હતો તેમ છતાં કોર્પોરેશન લાખો રૂપિયા ખર્ચીને ચલાવાતી પોલિયો રસીકરણની ઝુંબેશનું વધુ એક ધુપ્પલ ખુદ નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલે ઝડપી પાડ્યું છે.

ગત તા.ર એપ્રિલ, ર૦૧૭એ વિરાટનગર વોર્ડમાં આવેલી સત્તાધાર સોસાયટી વિભાગ-૧માં પોલિયો રવિવાર હેઠળ બાઇકસવાર બે સગીર વયના કિશોર પોલિયોની રસી પીવડાવવા આવ્યા હતા. આ કિશોરોએ તૂટેલા પ્લાસ્ટિકના ટબમાં રસીની બોટલ મૂકી હતી. આ બાબત પણ રસીની ગુણવત્તા માટે હાનિકારક હતી. સ્થાનિક ધારાસભ્યે આ અંગે મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમારને લેખિતમાં ફરિયાદ કરી હતી. બાઇકસવાર બન્ને કિશોરની મોબાઇલ ફોનથી ઝડપાયેલી તસવીર પણ ધારાસભ્યે કમિશનર મૂકેશકુમારને પાઠવી હતી, જેની મૂકેશકુમારે ગંભીરતાથી નોંધ લઇને સંબંધિત અધિકારીઓનો ખુલાસો માગ્યો છે દરમ્યાન કોર્પોરેશનના જન્મ-મરણ વિભાગના ર‌િજસ્ટ્રાર ડો.દિવ્યાંગ કહે છે, ‘ગત એપ્રિલ, ર૦૧૬એ પોલિયો રવિવાર હતો અને તેની પહેલાં ફેબ્રુઆરીમાં હતો, પરંતુ આવી કોઇ ફરિયાદ મારી પાસે આવી નથી.’
http://sambhaavnews.com/

You might also like