શ્રીનગરમાં મસ્જિદની બહાર ટોળાએ DSPની હત્યા કરી

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં જામિયા મસ્જિદની બહાર અંદર જતા અને બહાર આવતા લોકોની તસવીર ખેંચી રહેલા ડીએસપી મોહંમદ ઐયુબની રોષે ભરાયેલા નમાજીઓએ નિર્દયી રીતે માર મારીને તેમની હત્યા કરી નાખી હતી. આ ઘટના શ્રીનગરના પુરાના શહેરમાં આવેેલી જામિયા મસ્જિદની છે.

લોકોને તેમના પર શક જતાં તેમને તસવીરો ખેંચતા રોકવાની કોશિશ કરી હતી, પરંતુ લોકો જેવા તેમના તરફ આગળ વધ્યા કે ડીએસપી ઐયુબે ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ રોષે ભરાયેલા લોકોએ તેમને ઝડપી લીધા હતા અને તેમને ઢોર માર મારતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દળો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયાં હતાં અને મૃતક ડીએસપીની લાશનો કબજો લીધો હતો.

પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે લોકોએ જ્યારે તસવીર ખેંચી રહેલા ડીએસપીને પકડવાની કોશિશ કરી ત્યારે તેમણે ફાયરિંગ શરૂ કરી દેતાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ ઉશ્કેરાયેલ ટોળાએ તેમને પકડીને નિર્વસ્ત્ર કરીને પથ્થરથી માર મારીને તેમની હત્યા કરી દીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર કાશ્મીરમાં લોકો શબ-એ-કદ્ર મનાવી રહ્યા છે. તેઓ આખી રાત જાગે છે તેમજ કાશ્મીર ખીણની મસ્જિદો અને દરગાહોમાં રાતભર ઇબાદત કરે છે. વહીવટીતંત્રએ તકેદારીનાં પગલાંરૂપે શ્રીનગર શહેરના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો હતો. અલગતાવાદીઓએ પુલવામા જિલ્લાના તાકાપોડા વિસ્તારમાં વિરોધ દરમિયાન એક નાગરિકની હત્યા વિરુદ્ધ જુમ્માની નમાજ બાદ વિરોધ દેખાવો કરવાનું એલાન આપ્યું છે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે હેતુસર પ્રતિબંધ મૂકયો છે.
http://sambhaavnews.com/

You might also like