દારૂબંધીના કડક કાયદાના અમલીકરણ માટે બેખોફ બુટલેગરોને ડામવા પોલીસ ઉગામશે ‘પાસા’નું હથિયાર

અમદાવાદ: દારૂબંધીના કડક કાયદાના અમલીકરણ બાદ પણ બુટલેગરો પોલીસની રહેમ નજર હેઠળ બેખોફ થઇને અમદાવાદમાં મોટા પ્રમાણમાં દારૂ ઠાલવી રહ્યા છે. આવા બુટલેગરોને ડામવા માટે ઉચ્ચ અધિકારીઓ પાસા (પ્રિવેન્શન ઓફ એ‌િન્ટ સોશિયલ એ‌િક્ટ‌િવટી)નું હથિયાર ઉગામવાના મૂડમાં છે.

સરદારનગરના પ૦ કરતાં વધુ બુટલેગરને પોલીસ પાસા કરે તેવી ચર્ચા પોલીસબેડામાં થઇ રહી છે. બુટલેગરોએ દલિત પરિવાર પર કરેલા હુમલા બાદ સરદારનગરમાં ઉચ્ચ અધિકારીઓએ બે વાર કરેલા મેગા સર્ચ ઓપરેશન બાદ આ નિર્ણય લેવાયો છે.

શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા એફ વોર્ડમાં વીસેક દિવસ પહેલાં બુટલેગર માઇકલ ઉર્ફે રીતેશ ગોપાલભાઇ છારા, નીલુ ગોપાલભાઇ છારા, અનિલ છારાએ એક દલિત પરિવારના ત્રણ સભ્ય પર હિંસક હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. દલિત પરિવારે તેમના ઘર પાસે દારૂનો ધંધો નહીં કરવા બાબતે માઇકલને કહ્યું હતું, જેની અદાવત રાખીને આ હુમલો કરાયો હતો. બુટલેગરોએ કરેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓએ આ કેસમાં ઝંપલાવ્યું હતું. ગણતરીના દિવસોમાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

કુબેરનગર-છારાનગર વિસ્તાર દેશી દારૂના ઉત્પાદન અને સપ્લાય માટે કુખ્યાત છે ત્યારે વિદેશી દારૂનો સૌથી મોટો કારોબાર પણ આ જ વિસ્તારમાં થાય છે. હપ્તાખાઉં પોલીસના નેજા હેઠળ સમી સાંજે કુબેરનગર અને છારાનગરમાં રીતસરના ટેરીસ બાર ભરાય છે.

ધમધમી રહેલા દારૂના અડ્ડા બંધ કરાવવા માટે સેક્ટર-રના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ અશોક યાદવે પ૦૦ કરતાં વધુ પોલીસ કર્મચારીઓને સાથે રાખી કુબેરનગર-છારાનગરમાં બે વાર મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ૪ ફેબ્રુઆરીના રોજ અશોક યાદવ સહિત ત્રણ ડીસીપી, બે એ‌િડશનલ ડીસીપી અને ૧૭ પોલીસ ઇન્સ્પેક્ટરે પ૬પ પોલીસ કર્મચારીઓ સાથે મળીને છારાનગર અને કુબેરનગરમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

સાત કલાકના આ ઓપરેશન બાદ પોલીસ માત્ર ૭૬ લીટર દેશી દારૂ મળ્યો હતો જ્યાર કેટલીક દારૂ બનાવવાની ભઠ્ઠીને નાશ કરી હતી ત્યારે બે દિવસ પહેલાં પણ કુબેરનગર-છારાનગરમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરીને ર૬ કેસ કર્યા હતા અને ૬ લોકોની ધરપકડ કરી હતી.

ચોંકાવનારી વાત એ છે કે બે વખત થયેલા મેગા સર્ચ ઓપરેશનની વાત લીક થઇ જતાં પોલીસના વહીવટદારોએ બુટલેગરોને ચેતવી દીધા હતા, જેના કારણે તેઓએ દારૂનો ધંધો બંધ કરીને માલ સગેવગે કરી દીધો હતો. ગુરુવારના રોજ મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે નાના ચિલોડા રિંગરોડ સર્કલથી નરોડા પોલીસે રૂ.૧૬.૮૦ લાખનો બિનવારસી દારૂ આઇશર ગાડીમાંથી કબજે કર્યો છે, જે દારૂ સરદારનગરમાં ઊતરવાનો હતો.

આ દારૂ સરદારનગરના ટોચના બુટલેગરે મંગાવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સેક્ટર-રના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ અશોક યાદવે આ મામલે જણાવ્યું છે કે સરદારનગરમાં બુટલેગરોને ડામવા માટે પ૦ કરતાં વધુ બુટલેગર વિરુદ્ધમાં પાસાની કાર્યવાહી કરવામાં આવશે. માઇકલે કરેલા હુમલા બાદ અનેક બુટલેગરનાં નામ સામે આવ્યાં છે, જેમના પર તાત્કા‌િલક કામગીરી ચાલુ કરવામાં આવશે.

You might also like