મતદાન વખતે તહેનાત પોલીસનાં વાહનો જીપીએસથી સજ્જ થશે

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી માટે રાજ્યભરમાં ચૂંટણીપંચ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ ચૂંટણીમાં પહેલી વાર મતદાન મથક પર સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે તહેનાત વાહનો સાથે જીપીએસ લગાવવાની વિચારણા નિર્ણાયક તબક્કે પહોંચી છે એટલું જ નહીં, ચૂંટણીમાં ફરજ બજાવનાર સ્ટાફની હાજરી માટે બાયોમેટ્રિક સિસ્ટમ પણ ફરજિયાત કરવા માટેની તૈયારી પૂર્ણ થઈ હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે.

આ સિસ્ટમ બનાવતી કંપની સાથે કરાર કરવા માટે વાતચીત થઈ ચૂકી છે. બાયોમેટ્રિક સિસ્ટમ અને જીપીએસ બનાવતી કંપની પાસેથી ક્વોટેશન મંગાવી લેવાયાં છે. ચૂંટણી વિભાગનાં સૂત્રો મુજબ બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા હાજરી ઉપરાંત સલામતી વધુ મહત્ત્વની છે. મતદાન મથક પર જે તે વ્યક્તિ હાજર હતી કે કેમ તે બાબતની જાણકારી મળી રહેશે. ઉપરાંત જીપીએસ દ્વારા પોલીસ કે સુરક્ષાનાં વાહનો જે તે સમયે કયા સ્થળ ઉપર છે અને મતદાન મથકથી કેટલા અંતરે દૂર છે તેની જાણકારી મેળવીને ઈમર્જન્સીમાં તેનો ઉપયોગ કરાવી શકાશે.

અમદાવાદ શહેર અને ગ્રામ્યની ૨૧ વિધાનસભા સીટ માટેનાં તમામ ૭૦૦થી વધુ મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ વાહનની વ્યવસ્થા કરાઈ છે તેના અનુસંધાને અચાનક ઊભી થયેલી આપત્તિ સમયે પોલીસ વાન સમયસર સુરક્ષા આપી શકે તે માટે જીપીએસ પોલીસનાં ૧૦૦૦થી વધુ વાહનોમાં લગાવવામાં આવશે. મતદાન મથક ઉપરાંત મતદાન શરૂ થયા પહેલાં અને પૂરા થયા પછી ઈવીએમ અને વીવીપેટ સુરક્ષિત સ્થળે પહોંચાડવા અને લાવવા માટે પણ પોલીસનાં વાહનો સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે જોડાશે ત્યારે સલામતીના ભાગરૂપે પોલીસ વાહનો પર જીપીએસ લાગશે.

You might also like