પોલીસે જપ્ત કરેલી ટ્રકમાં રાતે રહસ્યમય રીતે આગ લાગી

અમદાવાદ: કોઇ ગુનામાં જપ્ત થયેલા વાહનોને પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં ખડકી દેવાયા બાદ તેની કોઇ દેખરેખ રાખવામાં આવતી નથી. જેને કારણે મુદ્દામાલ તરીકે જપ્ત કરેલાં આ વાહનોમાંથી કેટલાક સ્પેરોપાર્ટ ગાયબ થઇ જાય છે અથવા તો તે વાહનો ભંગાર થઇ જાય છે તો કેટલાંક વાહનો સળગી પણ જતાં હોય છે. છેલ્લા ઘણા સમયથી રખિયાલ પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં હરિયાણા પાસિંગની એક ટ્રક મુદ્દામાલ તરીકે છે જે ગઇ કાલે એકાએક સળગી હતી. ફાયર બ્રિગેડની ટીમે સમયસર રખિયાલ પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

વર્ષ 2005માં રખિયાલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. જેમાં પોલીસ હરિયાણા પાસિંગની ટ્રેક મુદ્દામાલ તરીકે કબજે લીધી હતી. આ ટ્રક છેલ્લા ઘણા સમયથી પોલીસ સ્ટેશન બહાર આવેલા પાર્કિંગમાં પડી છે.  ગઇ કાલે બપોરે એકાએક ટ્રકમાં આગ લાગી હતી. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ ટ્રકમાં લાગેલી આગ કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે આવીને ટ્રકમાં લાગેલી આગ કાબૂમાં લીધી હતી.

ફાયર બ્રિગેડનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રકની નીચે કચરો પડ્યો હતો. જેમાં આગ લાગતાં ટ્રક સળગી હતી. પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરીને ટ્રકમાં લાગેલી આગનું સાચું કારણ જાણવા માટે એફએસએલની ટીમને બોલાવી છે. ઉલ્લેખનીય છે કે દોઢેક વર્ષ પહેલાં નારણપુરા પોલીસ સ્ટેશનની જૂની બિલ્ડિંગમાં મુદ્દામાલ તરીકે પડેલાં વાહનોમાં આગ ભભૂકી ઊઠી હતી ત્યારે સરખેજ પોલીસ સ્ટેશનામાં મહાઠગ અશોક જાડેજા પાસેથી જપ્ત કરેલાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં આગ લાગી હતી.
http://sambhaavnews.com/

You might also like