પોલીસ સ્ટેશન દુકાનમાંથી સીધું રસ્તા પર અાવી ગયું!

અમદાવાદ: મોટા ભાગના પોલીસ કર્મચારીઓ પોતાનાં મનગમતાં પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ મળે તેવુું ઇચ્છતા હોય છે અને મેળવતા પણ હોય છે. પરંતુ જો સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ અથવા બદલી થાય તો સજા ભોગવવા આવ્યા હોય તેમ લાગે છે. કારણ કે રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશન બન્યાંને એક વર્ષ થવા આવશે પરંતુ પોલીસ સ્ટેશનનાં કોઇ ઠેકાણાં નથી. હાલમાં દધીચિ બ્રિજ નજીક આવેલા શોપિંગ સેન્ટરની દુકાનમાં પોલીસ સ્ટેશન ચાલે છે. પરંતુ ત્યાં પણ હવે શટર બંધ કરી સુભાષબ્રિજ પિકનિક હાઉસ પાસે છત્રી નાખી પોલીસકર્મીઓને બેસવાનો વારો આવ્યો છે. નવા પોલીસ સ્ટેશન માટે અનેક રજૂઆતો કરવા છતા આ એક માત્ર પોલીસ સ્ટેશન પર ધ્યાન અપાતું નથી.

સાબરમતી નદી પર રિવરફ્રન્ટ બનાવાતાં નદીની આસપાસ બનતા બનાવોને ધ્યાનમાં રાખી સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ અને સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન બનાવાયાં છે. વેસ્ટ પોલીસ સ્ટેશનને પાલડી સરદારબ્રિજ નીચે જગ્યા ફાળવી દેવાઇ છે અને પાકું બિલ્ડિંગ બનાવી પોલીસ સ્ટેશન ફાળવી દેવાયું છે. જ્યારે ઇસ્ટ પોલીસ સ્ટેશને દધીચિબ્રિજ પાસે બનેલા રિવરફ્રન્ટના શોપિંગમાં

આવેલી એક દુકાનમાં શરૂ કરી દીધું છે. દુકાનમાં શરૂ કરાયેલા પોલીસ સ્ટેશનમાં પહેલેથી જ અસુવિધા હતી. જેમાં વધારો થયો છે.  હવે પોલીસકર્મીઓને દુકાનનું શટર બંધ કરી રોડ ઉપર બેસવાનો વારો આવ્યો છે. બળબળતા તાપમાં સુભાષબ્રિજ પિકનિક હાઉસ નજીક પોલીસકર્મીઓએ છત્રી નીચે ટેબલ-ખુરશી પાથરી બેસવું પડે છે. રિવરફ્રન્ટ ઉપર ભારે વાહન, રિક્ષા, લોડિંગ રિક્ષાઅો ચલાવવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. પોલીસ દ્વારા રિક્ષાઓ માટે અને અન્ય ભારે વાહનોને ચેકિંગ દરમ્યાન સ્થળ પર દંડ કરી છોડી મૂકે છે. પરંતુ અમુક વાહનોને ડિટેઇન કરે છે અને આ કામગીરી પોલીસ સ્ટેશનમાં બેસીને કરવાની હોય છે. પરંતુ પોલીસકર્મીઓએ આ કામ રોડ ઉપર ટેબલ-ખુરશી નાખી કરવું પડે છે.

સાબરમતી રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન સજાનું પોલીસ સ્ટેશન બની ગયું છે. દુકાનમાં બનાવેલું પોલીસ સ્ટેશન બંધ જેવું જ છે. મહત્વના કોઇ કાગળ કરવાના હોય ત્યારે જ પોલીસ સ્ટેશનનું શટર ઊંચું કરવામાં આવે છે. બાકી પોલીસ કર્મચારીઓને મોટા ભાગે રોડ ઉપર જ બેસવું પડે છે.

પોલીસ સ્ટેશન બનાવવા અનેકવાર રજૂઆતો કરાઇ છે
સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશન જે હાલમાં શોપિંગ સેન્ટરની દુકાનમાં ચાલી રહ્યું છે. તેના માટે સુભાષબ્રિજ નીચે જગ્યા ફાળવવા રજૂઆત કરાઇ છે. ઉપરાંત અનેક વખત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ અને અન્ય ઉચ્ચ અધિકારીઓને પોલીસ સ્ટેશન બનાવવા માટે રજૂઆતો કરાઇ છે. પરંતુ આ બાબતે કોઇ નિર્ણય લેવામાં આવતો નથી.
– ઉષા રાડા, ડીસીપી, ઝોન, ર

You might also like