ઝઘડાની ફરિયાદ માટે પોલીસ સ્ટેશન ગયા અને ત્યાં જ મારામારી

અમદાવાદ: શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં ધોળા દિવસે બે પક્ષ વચ્ચે મારામારીનો બનાવ બનતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. મકાનમાં દીવાલ નહીં બનાવવા મામલે પડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો શાંત કરાવવા માટે પોલીસ બન્ને પક્ષને રામોલ પોલીસ સ્ટેશન લાવી હતી. જ્યાં પોલીસની સામે બન્ને પક્ષે મારામારી કરી હતી.

વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા હરજી પાર્ક સોસાયટીમાં દીવાલ બનાવવા બાબતે ગઇ કાલે નિકુલ ડાહ્યાભાઇ પટેલ તેમજ નીરજગીરી પ્રકાશગીરી ગોસ્વામી વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બન્ને વચ્ચે ઝઘડો થયો હોવાની જાણ પોલીસ કંટ્રોલમાં થઇ હતી. પોલીસ કોન્સ્ટેબલ શિવપ્રકાશ શેષમણિ તેમજ સહદેવસિંહ નિકુલ, ડાહ્યાભાઇ તેમજ નીરજગીરીને પીસીઆર વાનમાં બેસાડીને રામોલ પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા.

રામોલ પોલીસ સ્ટેશનમાં ઇન્વે સ્કોવોડના રૂમ નંબર 24માં બન્ને પક્ષ વચ્ચે સમાધાન કરાવવા માટે પોલીસ મહેનત કરી રહી હતા ત્યારે એકાએક મકાનમાં દીવાલ નહીં બનાવવા બાબતે નિકુલ અને નીરજ ઉશ્કેરાયા હતા અને પોલીસની સામે બિભસ્ત ગાળો બોલીને મારામારી શરૂ કરી દીધી હતી. પોલીસ સ્ટેશનમાં મારામારી જોઇને પોલીસ ચોંકી ઊઠી હતી અને ત્રણેય વ્યકિતઓ વિરુદ્ધ જાહેરમાં સુલેહ શાંતિ ભંગ કરીને ઝઘડો કરવા બાબતે ફરિયાદ દાખલ કરી છે.
http://sambhaavnews.com/

You might also like