કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ASI ૧પ,૦૦૦ની લાંચ લેતાં ઝડપાયા

અમદાવાદ: શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના એએસઆઇ રૂ.૧પ,૦૦૦ની લાંચ લેતાં રંગે હાથ એબીસીની ટ્રેપમાં ઝડપાઇ ગયા હતા. ચેઇન સ્નેચિંગની અરજીનો નિકાલ કરવા માટે આરોપી પાસેથી એએસઆઇ સહિતના બે પોલીસકર્મીઓએ રૂ.૧પ,૦૦૦ની લાંચ માગી હતી, જોકે આરોપીએ એસીબીમાં ફરિયાદ કરી દેતાં ગઇ કાલે એસીબીની ટીમે એએસઆઇને રંગે હાથ રૂ.૧પ,૦૦૦ની લાંચ લેતાં ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય બે પોલીસકર્મીઓ ફરાર થઇ ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગ કરવાના મુદ્દે ફરિયાદીએ અરજી કરી હતી, જેમાં આ અરજીની તપાસ એએસઆઇ બી.એલ.ખાંટને સોંપાઇ હતી ચેઇન સ્નેચિંગ કરવાનો જેના પર આરોપ છે તેના પર કોઇ કાર્યવાહી નહીં કરવા માટે તથા અરજીનો નિકાલ કરવા માટે બી.એલ.ખાંટે આરોપી પાસેથી રૂ.૧પ,૦૦૦ની લાંચની રકમ માગી હતી.

લાંચ માગવા મામલે આરોપીએ એસીબીમાં ફરિયાદ કરી હતી, જેમાં ફરિયાદના આધારે પીઆઇ બી.એલ.દેસાઇ તથા પીઆઇ સી.એ.પરમારની ટીમે ગઇ કાલે છટકું ગોઠવ્યું હતું.

રૂ.૧પ,૦૦૦ જેવા એએસઆઇ બી.એલ.ખાંટને આપ્યા ત્યારે એસીબીની ટીમે તેમને રંગે હાથ ઝડપી લીધા હતા. લાંચ માગવાના પ્રકરણમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એલઆરડી વિશ્વરાજસિંહ અને પોલીસકર્મી રણછોડભાઇ ટ્રેપ વખતે ફરાર થઇ ગયા હતા. એસીબીએ ત્રણ પોલીસકર્મીઓ વિરુદ્ધ લાંચ લેવા મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે

You might also like