ચિરાગ પટેલનો મોબાઇલ શોધવા માટે પોલીસે કેનાલમાં સર્ચ કર્યું

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: અમદાવાદમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર ચિરાગ પટેલના અપમૃત્યુ કેસમાં પોલીસની ‘જો અને તો’ની થિયરી પર તપાસ ચાલી રહી છે. આ ચકચારી કેસમાં પોલીસ ખુદ મૂંઝવણમાં છે કે ચિરાગની હત્યા થઈ છે કે તેણે આત્મહત્યા કરી છે. તેવામાં પોલીસે ગઇ કાલે ઘટનાનું રીકન્ટ્રક્શન કર્યું હતું.

ત્યારે પોલીસ ચિરાગનો ગુમ થયેલો મોબાઇલ શોધવા માટે કેનાલમાં પણ તપાસ કરી હતી. નિકોલ પોલીસ તેમજ ઝોન પાંચના ડીસીપી અક્ષયરાજ મકવાણાએ ચિરાગે આત્મહત્યા કરી હોવાનીં થિયરી પર તપાસ શરૂ કરી છે. જ્યારે ક્રાઇમ બ્રાન્ચે હત્યાની થિયરી પર તપાસ શરૂ કરી છે.

શનિવારે કઠવાડા પાસેની એક અવાવરું જગ્યાએથી ચિરાગ પટેલનો અર્ધ બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ચકચારી ઘટનામાં તેની હત્યા થઇ છે કે તેણે આત્મહત્યા કરી છે તે મામલે પોલીસ તપાસ કરી રહી છે. ગઇ કાલે સેક્ટર-૨ના એડિશનલ પોલીસ કમિશનર એમ.એચ. ભરાડા અને ઝોન-૫ ડીસીપી અક્ષયરાજ મકવાણાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ચિરાગની બાઈક ઉપરથી મોબાઈલ ફોન સિવાય પર્સ, આઈ-કાર્ડ સહિતની વસ્તુઓ સલામત મળી છે. જે હત્યાના સંજોગોમાં શક્ય નથી.

ચિરાગ બપોરે બે વાગ્યાના અરસામાં નિકોલ સ્થિત ઘરેથી નીકળ્યો અને છેલ્લે ૪-૪૫ વાગ્યે મોબાઈલ ફોન ચાલુ હતો. ઘર નજીકથી મૃતદેહ મળ્યો ત્યાં સુધીના કુલ સાત સીસીટીવી તપાસતાં ચિરાગ એકલો જ જઈ રહ્યાનું સ્પષ્ટ થયું છે. ટેબલી હનુમાન રોડ પાસેના ગલ્લા ઉપરથી ચિરાગે રૂ. ૧૦ની પાણીની બોટલ લીધી હતી.

ટેબલી હનુમાનના મહંત રોકડિયા બાપુ બપોરે સવા ચાર વાગ્યે નિકોલ રામધૂનમાં જવા નીકળ્યા ત્યારે ચિરાગને બાઈક ઉપર બેઠેલો અને પડિકામાંથી કંઈક ખાતા જોયો હતો. સ્થળ ઉપરથી પ્લાસ્ટિકના અવશેષ મળ્યા છે તે એફએસએલમાં મોકલાયા છે.

મૃતક ચિરાગ પટેલના એક્સિસ બેન્ક, HDFC અને SBI બેન્ક ખાતાંના સ્ટેટમેન્ટ મેળવી એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે. મૃતક ચિરાગના વિશેરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. મૃતદેહ મળ્યો ત્યાં અને તેનાથી ૧૫ ફૂટ દૂર ઘાસ બળ્યાના અવશેષ મળ્યા છે. પોલીસે આત્મહત્યાની થિયરી પર તપાસ શરૂ કરી છે જ્યારે ક્રાઇમ બ્રાન્ચે હત્યાની થિયરી પર તપાસ શરૂ કરી છે.

પોલીસ ચિરાગના મોતને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરી રહી છે પરંતુ તેનો રહસ્મમય રીતે ગુમ થયેલો મોબાઇલ ફોન હત્યા તરફ ઇશારો કરી રહી છે. પોલીસને ઘટના સ્થળ પરથી ચિરાગ પટેલનું ઇયરફોન મળ્યું છે. ચિરાગનો મોબાઇલ કેનાલમાં ફેંકી દીધો હોવાની શંકા જતાં ફાયર બ્રિગેડની ટીમ સાથે પોલીસે કેનાલમાં પણ તપાસ કરાવી છે સાથોસાથે ઘટનાની રીકન્ટ્રકશન પણ કર્યું છે.

You might also like