દારૂડિયા પતિથી ત્રાસી નદીમાં કૂદવા જતી પરિણીતાને પોલીસે બચાવી

અમદાવાદ: દારૂડિયા પતિના ત્રાસથી સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરવા માટે આવેલી પરિણીતાને પોલીસે બચાવી લઇને પતિ વિરુદ્ધમાં ઘરેલુ હિંસાની ફરિયાદ દાખલ કરાવી છે. પરિણીતા નદીમાં છલાંગ લગાવવા જઇ રહી હતી ત્યારે પોલીસે તેને બચાવી લીધી હતી અને પોલીસ કારમાં બેસાડીને નરોડા પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી, જ્યાં પોલીસકર્મીઓએ સાથે રહીને પરિણીતાને હિંમત આપતાં તેણે પતિ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી હતી. નરોડા ગામમાં આવેલ કુંભારવાસમાં રહેતાં દક્ષાબહેન પ્રજાપતિએ નરોડા પોલીસ સ્ટેશનમાં પતિ યોગેશભાઇ વિરુદ્ધમાં ડોમે‌સ્ટિક વાયોલન્સ એક્ટની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે દક્ષાબહેનનાં લગ્ન નવ વર્ષ પહેલાં યોગેશભાઇ સાથે થયાં હતાં.

યોગેશભાઇને ધંધામાં ત્રણેક લાખ રૂપિયાનું નુકસાન થયું હતું, જેના કારણે યોગેશભાઇ અવારનવાર દારૂ પીને દક્ષાબહેન સાથે મારઝૂડ કરતા હતા. બે દિવસ પહેલાં પણ યોગેશભાઇએ દક્ષાબહેન સાથે મારઝૂડ કરી હોવાથી દક્ષાબહેન તેમના પિયરમાં જતાં રહ્યાં હતાં. પિયરમાં પણ દક્ષાબહેનને રાખવા માટે કોઇ તૈયાર નહીં હોવાથી પરત સાસરીમાં જતાં રહેવા કહ્યું હતું. એક રાત પિયરમાં રોકાયા બાદ વહેલી સવારે દક્ષાબહેનને સાસરીમાં જવાનું કહેવાતાં તેઓ આપઘાત કરવા માટે સુભાષ‌િબ્રજ પર આવ્યાં હતાં. દક્ષાબહેન નદીમાં છલાંગ લગાવે તે પહેલાં બ્રિજ પરથી પસાર થતાં પોલીસકર્મીઓએ તેમને બચાવી લેતાં દક્ષાબહેને પોતાની આપવીતી સંભળાવી હતી.  દારૂ‌િડયા પતિનાં કારસ્તાન સાંભળતાં પોલીસકર્મીઓ દક્ષાબહેનને પોલીસકારમાં બેસાડી નરોડા પોલીસ સ્ટેશન લઇ ગયા હતા, જ્યાં દક્ષાબહેને પતિ યોગેશભાઇ વિરુદ્ધમાં ઘરેલુ હિંસાની ફરિયાદ ફરિયાદ નોંધાવી હતી.

http://sambhaavnews.com

You might also like