પોલીસને જોઈ ચોર ભાગ્યો અને માતાજીની મૂર્તિ ખંડિત થઈ

અમદાવાદઃ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલા મહાદેવના મંદિરમાં પોલીસની સતર્કતાના કારણે ચોરીનો બનાવ બનતાં અટક્યો હતો. મંદિરમાં ચોરી કરવા આવેલો ચોર પોલીસને જોઈ નાસવા જતાં માતાજીની મૂર્તિ નીચે પડી ગઈ હતી અને તૂટી જતાં નુકસાન થયું હતું, જોકે મંદિરમાં રહેલા દરદાગીના અને રોકડ બચી ગયાં હતાં. કા‍લુપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ કાલુપુરના ટંકશાળ રોડ પર મહાદેવવાળા ખાંચામાં મહાદેવનું મંદિર આવેલું છે. ગઈ કાલે સવારે મંદિરમાં દરદાગીના વેરવિખેર અને માતાજીની મૂર્તિ તૂટેલી હોઈ મંદિરમાં સેવાપૂજા કરતા અને ખાડિયામાં રહેતાં ગીતાબહેન મહેતાને જાણ કરતાં તેઓ દોડી આવ્યાં હતાં.

તેઓએ આસપાસના રહીશોને પૂછતાં ગત રાત્રે મહાદેવના મંદિરમાં કોઈ અજાણી વ્યક્તિ ચોરી કરવાના ઈરાદે આવી હતી. ચોર ચોરી કરતો હતાે તે દરમિયાનમાં ટંકશાળ રોડ પર હોમગાર્ડ જવાનો પેટ્રોલિંગમાં આવતાં પકડાઈ જવાના ડરે મંદિરમાંથી ભાગવા જતાં ચોરથી માતાજીની મૂર્તિ તૂટીને નીચે પડી ગઈ હતી. મૂર્તિ પર ચઢાવેલા દરદાગીના અને સામાન વેરવિખેર હાલતમાં હતાં. મંદિરમાં તપાસ કરતાં કોઈ ચોરી થઈ ન હતી. માત્ર મૂર્તિ તૂટી જતાં ત્રણેક હજારનું નુકસાન થયું હતું. આ અંગે ગીતાબહેનની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like