ભરૂચ-અંકલેશ્વરમાં સ્પા સેન્ટરો પર પોલીસના દરોડાઃ એક પણ વિદેશી યુવતી ન મળી

અમદાવાદ: રાજકોટમાં પોલીસે સ્પા સેન્ટરમાં કરેલા દરોડા બાદ ભરૂચ અને અંકલેશ્વરમાં સ્પા સેન્ટરો પર સોમવારે મોડી સાંજે ભરૂચ પોલીસે તવાઇ બોલાવી હતી.

બંને શહેરોમાં આઠ પોલીસ અધિકારીઓની આગેવાનીમાં ૧૦૦થી વધારે પોલીસ જવાનોના કાફલાએ સ્પા સેન્ટરોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સ્પા સેન્ટરના સંચાલકો અને ૬૦થી વધુ યુવતીઓની તપાસ કરવામાં આવી હતી. મોટાભાગની યુવતીઓ ઉત્તર -પૂર્વીય રાજયોની વતની હોવાનું બહાર આવ્યું હતું.

રાજકોટમાંથી ૬૦ જેટલી વિદેશી યુવતીઓ સ્પા સેન્ટરમાંથી ઝડપાતાં હવે રાજ્યનાં અન્ય શહેરોમાં પણ સ્પા સેન્ટર પર તપાસ શરૂ કરવામાં આવી છે. ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ સોમવારે ભરૂચ ડીવાયએસપી એન.ડી.ચૌહાણ અને અંકલેશ્વર ડીવાયએસપી લખધીરસિંહ ઝાલાની આગેવાનીમાં ૧૦૦ પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી હતી.

સોમવારે મોડી સાંજે એસપીનો આદેશ મળતાંની સાથે તમામ ટીમો એક સાથે ભરૂચ અને અંકલેશ્વરના સ્પા સેન્ટરો પર ત્રાટકી હતી. સ્પા સેન્ટરો પર પોલીસની તપાસ દરમિયાન વિદેશી યુવતીઓ કે ગ્રાહકો મળી આવ્યાં ન હતાં.

બંને શહેરોના સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતીઓ દાર્જિલિંગ, મુંબઇ અને ઉત્તર- પૂર્વ ભારતનાં રાજયોની રહેવાસી હતી અને તેમનું નાગરિકત્વ ભારતનું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સ્પા સેન્ટરના સંચાલકો અને યુવતીઓના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

You might also like