સિંધુ ભવન રોડ પર આવેલા હુક્કાબારમાં મોડી રાતે દરોડા

શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન હદમાં ચાલતા હુક્કાબાર પર પોલીસે તવાઈ બોલાવી છે. બુધવારે વસ્ત્રાપુર પોલીસે હિમાલયા મોલમાં દરોડા પાડી બે હુક્કાબાર ઝડપ્યા બાદ ગઈ કાલે રાતે સિંધુ ભવન રોડ પર આવેલા ‘ડોપ ધી પ્લેસ’ નામના હુક્કાબાર પર દરોડો પડ્યો હતો. દરોડા દરમ્યાન મેનેજર મળી આવતા પોલીસે મેનેજર અને માલિક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ બુધવારે હિમાલયા મોલમાં ચાલતાં બે હુક્કાબાર પર દરોડા પાડયા બાદ વસ્ત્રાપુર પોલીસે ગઈ કાલે રાતે સિંધુ ભવન રોડ પર આવેલા ‘ડોપ ધી પ્લેસ’ નામના હુક્કાબાર પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન પોલીસને હુક્કાબારનો મેનેજર જિતેન્દ્ર દેસાઈ (રહે.શિવ મંદિર ફ્લેટ ઈસનપુર) મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતાં હુક્કાબારના માલિક ચિરાગ પટેલ (રહે. ચારુપાર્ક સોસાયટી, નરોડા)નું હોવાનું જણાવ્યું હતું.

પોલીસને હુક્કાબારમાંથી અલગ અલગ ફ્લેવરના ડબા મળી આવ્યા હતા. હુક્કા દીઠ રૂ. ૫૦૦ તેઓ ઉઘરાવતા હતા. રેસ્ટોરન્ટ ચલાવવા અંગેનું લાઇસન્સ પણ ન હોવાનું મેનેજરે પોલીસને જણાવ્યું હતું. વસ્ત્રાપુર પોલીસે મેનેજર જિતેન્દ્ર દેસાઈ અને માલિક ચિરાગ પટેલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like