ભાટ નજીક નદીના પટમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ

ગાંધીનગરની હદમાં આવેલા ભાટ ગામ નજીકથી પસાર થતી સાબરમતી નદીના પટમાં દેશી દારૂ ગાળવાનો પર્દાફાશ અનેક વખત સ્થાનિક પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓએ કર્યો છે ત્યારે હવે બુટલેગરોએ શહેરના કોતરપુર વિસ્તારમાં આવેલ નદીના પટમાં દારૂ ગાળવા માટેની તૈયારીઓ કરી લીધી હતી. બુટલેગરો દારૂ ગાળવાનો બદઇરાદા પાર પાડે તે
પહેલાં સાબરમતી ‌રિવરફ્રન્ટ પોલીસે રેડ કરીને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ૧૪૦૦ લિટર દારૂ ગાળવાની ભઠ્ઠી જપ્ત કરી છે.

સરદારનગર વિસ્તારમાં આવેલ સુભાષનગરના છાપરામાં રહેતાં કમળાબહેન ભવરસિંહ છારાએ દેશી દારૂ બનાવવા માટેનું પ્લા‌નિંગ કર્યું હતું, જેમાં તેને કોતરપુર વોટર વર્ક્સ પાછળ આવેલ નદી કિનારે ઝાડી-ઝાંખરામાં દેશી દારૂ ગાળવા માટેની ભઠ્ઠી બનાવી હતી. કમળાબહેન પોતાનો ઇરાદો પાર પાડે તે પહેલાં સાબરમતી ‌રિવરફ્રન્ટ (ઇસ્ટ) પોલીસને
જાણ થઇ ગઇ હતી.

ગઇ કાલે સાંજે પોલીસે નદીના પટમાં કમળાબહેને બનાવેલ દારૂની ભઠ્ઠી પર દરોડા પાડ્યા હતા અને ૧૪૦૦ લિટર દારૂ ગાળવામાં આવે તેટલી મોટી ભઠ્ઠી જપ્ત કરી હતી. પોલીસે આ મામલે કમળાબહેન વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે અને કમળાબહેનને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

You might also like