પોલીસ ક્વાર્ટર્સમાં જ કોન્સ્ટેબલે આત્મહત્યા કરતાં ભારે ચકચાર

અમદાવાદ: કપડવંજ (ગ્રામ્ય) પોલીસમથકમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલે પોતાના સરકારી ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી નાખતાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.

મળતી માહિતી મુજબ આ અંગેની વિગત એવી છે કે કપડવંજમાં મોટા રત્નાકર માતાના મંદિર પાસે ગ્રામ્ય પોલીસમથકના ક્વાર્ટર્સ આવેલાં છે. ૩૭ નંબરના ક્વાર્ટર્સમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઇ ખાનાભાઇ રોહિતે પોતાના ક્વાર્ટર્સમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ કોન્સ્ટેબલ મૂળ કઠલાલ તાલુકાના છીપડી ગામના રહીશ હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કા‌િલક પહોંચી જઇ લાશને પીએમ માટે હોસ્પિટલ મોકલી આપી કોન્સ્ટેબલનાં પરિવારજનોને આ અંગે જાણ કરી હતી. મળતી વિગત પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી કોન્સ્ટેબલ પ્રવીણભાઇ ઘરમાં એકલા હતા. બે દિવસ અગાઉ જ તેમણે પોતાનો રૂમ બંધ કરી જીવન ટૂંકાવી નાખ્યું હતું. ઘરમાંથી દુર્ગંધ આવતાં આજુબાજુના લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. આપઘાત કરવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી.

You might also like