વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરતા પીઆઈ અને પોલીસ કર્મચારીઓને રિક્ષાચાલકોએ ઘેરી લીધા

અમદાવાદ: શહેરમાં ટ્રાફિકના નિયમનું ચુસ્ત અમલીકરણ થાય તે માટે પોલીસે વાહનચાલકો સામે લાલ આંખ કરી છે જેના કારણે વાહનચાલકો પણ હવે પોલીસ પર હુમલો કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો ગઇ કાલે સામે આવ્યો છે ચંડોળા તળાવ પાસે ટ્રાફિકના નિયમોને તોડનાર વાહનચાલકો વિરુદ્ધમાં પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી હતી તે સમયે રિક્ષાચાલકોએ ભેગા મળીને પોલીસ પર હુમલો કરીને પથ્થરમારો કર્યો હતો અને કારના કાચ તોડી નાખ્યા હતા.

ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફજર બજાવતા જે.જી.રાઓલે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ૭૦થી ૮૦ લોકો સામે ફરિયાદ કરી છે. ગઇ કાલે જે.જી.રાઓલ અને તેમની ટીમ ચંડોળા તળાવ પાસે ટ્રાફિકના નિયમ તોડનાર વાહનચાલકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતા હતા ત્યારે એક શટલ રિક્ષા ત્યાંથી પસાર થઇ હતી.

પોલીસે શટલ રિક્ષાને રોક્તાં રિક્ષાચાલકે બુમાબુમ કરી હતી અને બીજી શટલ રિક્ષાઓને રોકીને પોલીસનો વિરોધ કર્યો હતો.  દરમિયાનમાં રિક્ષાચાલકો ૭૦થી ૮૦ લોકોનું ટોળું લઇને આવ્યા હતા અને પોલીસ પર હુમલો શરૂ કરી દીધો હતો. ઉશ્કેરાયેલાં ટોળાએ પોલીસની ટીમને બીભસ્ત ગાળો બોલી હતી અને દિલીપ નામના પોલીસ કોન્સ્ટેબલને ઢોર માર માર્યો હતો.

પોલીસ ઇન્સ્પેક્ટરે યેનકેન રીતે દિલીપને છોડાવી લીધો હતો ત્યારે ટોળાએ એકદમ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ટોળાંએ પોલીસની કાર પર પથ્થર મારી કાચ તોડી નાખ્યા હતા અને રોડ પર ચક્કાજામ કરી દીધું હતું.

ટોળું ઉશ્કેરાટમાં સૂત્રોચાર કરતું હતું અને બીજી વાર પોલીસ આ વિસ્તારમાં આવે નહીં અને આવે તો જાનથી મારી નાખીશું તેવી બુમાબુમ કરતું હતું. પીઆઇએ વધુ પોલીસ ફોર્સ મગાવી લીધી હતી ત્યારબાદ ઉશ્કેરાયેલાં ટોળાને વેરવિખેર કર્યું હતું. દાણીલીમડા પોલીસે સાત રિક્ષા ડીટેઇન કરી છે ત્યારે ૭૦થી ૯૦ લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

You might also like