દિવસે ભઠ્ઠીમાં ફેરવાતી બીટ ચોકીમાં પોલીસ કર્મચારી પગ મૂકતાંય ડરે છે

શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે. ત્યારે આવા માથાના દુઃખાવા સમાન ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક પોલીસ તેમજ ટ્રાફિકબ્રિગેડના જવાનો કાળઝાળ ગરમીમાં પણ પોતાની ફરજ નિષ્ઠા સાથે અદા કરી રહ્યા છે. પોલીસ કર્મચારી તેમજ ટ્રાફિકબ્રિગેડના જવાનોને થોડોક આરામ મળે તે માટે શહેરનાં મોટાભાગનાં જંકશન પર પોલીસ કેબિન તેમજ પોટા હાઉસ (બીટ ચોકી) મૂકવામાં આવી છે.

પોલીસની સગવડ માટે મુકાયેલી આ પોલીસ કેબિન તેમજ પોટા હાઉસનો ઉપયોગ ખુદ પોલીસ પણ નથી કરતી. પોલીસ કેબિન પાંચથી દસ ફૂટની છે. જેમાં એકાદ બે પોલીસ કર્મચારીઓ શાંતિથી બેસી શકે છે. પરંતુ કાળઝાળ ગરમીના કારણે ફાઇબરની પોલીસ કેબિન એકદમ ગરમ થઇ જાય છે. જેના કારણે પોલીસ કર્મચારીઓ તેમાં બેસવાનું ટાળી રહ્યા છે.

શહેરની સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની છે જેને કંટ્રોલ કરતાં પોલીસ કર્મચારીઓ વાહનચાલકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે બાંકડા પર કે પછી બાઇક પર બેસીને કરતા હતા અને જમવા માટે નજીકની રેસ્ટોરાં અથવા ચાની કીટલી પર જવું પડતું હતું. પોલીસ કર્મચારીઓને પડતી હાલાકીનો અંત લાવવા માટે પોલીસ અધિકારીઓએ પોલીસ કેબિન, પોટા હાઉસ અને છત્રી હાઉસ મૂકવાનું નક્કી કર્યું હતું. છેલ્લા ઘણા સમયથી શહેરનાં અલગ અલગ જંકશન પર ૩પ કરતાં વધુ પોલીસ કેબિન તેમજ પ૦ કરતાં વધુ પોટા હાઉસ અને પ૦ કરતા વધુ છત્રી હાઉસ મૂકવામાં આવ્યાં છે.

અંદાજે ૯ મહિના પહેલાં જૂના વાડજ, દૂધેશ્વર, વસ્ત્રાપુર સહિતની અલગ અલગ જગ્યા પર પોલીસ કેબિન મૂકી છે. આ પોલીસ કેબિનમાં પાંચથી દસ ફૂટની છે જેમાં લાઇટ અને પંખાની સુવિધા છે અને પોલીસ કર્મચારીઓને બેસવા માટે ખુરશી મૂકવામાં આવી છે. કેબિનમાં કાચની બારી પણ છે. જેમાંથી તે ટ્રાફિક પર નજર રાખી શકે. આ પોલીસ કેબિન નાની હોવાથી તેમાં વીજ કનેકશન લેવામાં આવ્યું નથી. પરતુ સોલર પદ્ધતિની આ કેબિનમાં લાઇટ અને પંખા ચાલી રહ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટ્રાફિક પોલીસ કર્મચારી, ટ્રાફિકબ્રિગેડના જવાનો તેમજ હોમગાર્ડના જવાનોને મુશ્કેલીઓમાં કામ કરે નહીં તે માટે ચોકી અને કેબિન મૂકવાનો નિર્ણય પ્રશંસનીય છે. પરંતુ તેનો કોઇ ઉપયોગ થતો નથી.

પોલીસ કેબિન, બીટ ચોકી અને છત્રી ચોકી ફાઇબરની બનેલી છે. જેથી આ ચોકી ચોમાસું અથવા શિયાળામાં ઉપયોગી બની રહે છે. ઉનાળામાં આ ચોકી બિનઉપયોગી છે. શહેરમાં કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે. ત્યારે આવી ગરમીમાં પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે.

કેટલાક પોલીસ કર્મચારીઓએ નામ નહીં આપવાની શરતે પોતાની વેદના વ્યક્ત કરી અને કહે છે કે પોલીસ કેબિન અને બીટ ચોકીમાં બેસવા કરતા ગરમીમાં ફરજ બજાવવી વધુ સારી લાગે છે. ગરમીના કારણે સવારે ૧૧ વાગ્યે ફાઇબરની પોલીસ કેબિન જલદી તપી જાય છે અને સાંજે છ વાગ્યા સુધી આ કેબિનમાં બેસી શકાય તેવી હોતી નથી. ગરમીથી પોલીસ કેબિન ગરમ થઇ જાય છે. જેના કારણે તડકા કરતાં પણ વધુ ગરમી આ કેબિનમાં થાય છે.

શહેરમાં ૩પ કરતાં વધુ પોલીસ કેબિન મૂકવામાં આવી છે. જેમાં હાલ તાળાં જોવા મળે છે. પોલીસ કેબિનને તાળું મારી તેની ચાવી જેે તે જંકશન પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પાસે રહે છે. આ પોલીસ કેબિનનો ઉપયોગ માત્ર જાહેરાતો અને હોર્ડિંગ બોર્ડ લગાવવા માટે કરવામાં આવ્યો છે.

શહેરમાં મૂકેલી કેટલીક પોલીસ કેબિનના કાચ પણ લોકોએ તોડી નાખ્યા છે. આ મામલે ટ્રાફિક ડીસીપી (એડમિન) તેજસ પટેલે જણાવ્યું કે શહેરમાં ૩૦ થી ૩પ પોલીસ કેબિન છે જેમાં સોલર દ્વારા પંખો અને લાઇટ ચાલે છે. પોલીસ થોડો સમય બેસી શકે તે માટે આ કેબિન મૂકવામાં આવી છે.

You might also like