ત્રણ મહિનાથી જૂના પે‌ન્ડિંગ કેસની તપાસ પૂર્ણ કરવા પોલીસને આદેશ

અમદાવાદ: રાજ્યના પોલીસ સ્ટેશનોમાં નોંધાતા ગુનાની તપાસ પૂર્ણ કરી તપાસના પુરાવા સહિતના કેસના કાગળો અને સાક્ષી કોર્ટમાં રજૂ કરવાના હોય છે. જેના આધારે કોર્ટ કાર્યવાહી આગળ વધારી શકે છે.

પોલીસ દ્વારા કેસની તપાસ ઝડપથી પૂરી કરી કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાનો હોય છે, પરંતુ રાજ્યના અનેક પોલીસ સ્ટેશનોમાં પેન્ડિંગ કેસોની સંખ્યામાં વધારો થયો છે.

કેસની તપાસમાં વિલંબ થવાથી ફરિયાદીને પોલીસ વિભાગ પ્રત્યે અસંતોષની લાગણી ઊભી થતી હોવાનું અને ન્યાયપ્રણાલીમાં અવિશ્વાસ ઊભો થતો હોવાનું રાજ્ય પોલીસવડાના ધ્યાને આવતાં તેઓએ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ત્રણ માસથી વધુ સમયના પેન્ડિંગ કેસની તપાસ તાત્કાલીક પૂર્ણ કરી ૩૧ ઓકટોબર સુધીમાં પોલીસવડાની કચેરીમાં રિપોર્ટ કરવા આદેશ કર્યો છે.

પોલીસવડા શિવાનંદ ઝાએ પરિપત્ર બહાર પાડી જણાવ્યું છે કે પેન્ડિંગ કેસની સંખ્યામાં વધારો થયો છે કેસની તપાસ ઝડપથી પૂર્ણ થતી નથી, જેથી ૩ માસથી વધુ સમયના પેન્ડિંગ કેસોની સમીક્ષા કરવી અને તમામ પેન્ડિંગ કેસોની કાર્યવાહી કરી કેસવાઇઝ અહેવાલ રાજ્ય પોલીસવડાની કચેરીમાં ૩૧ ઓકટોબર સુધીમાં મોકલી આપવી.

જો છ માસથી વધુ સમય માટે કેસ પેન્ડિંગ હોય તો તેવા કેસમાં તપાસનીશ અધિકારીની નિષ્કાળજી હતી કે કેમ તેની તપાસ કરી પગલાં ભરવા પણ આદેશ અપાયો છે.

You might also like