પોલીસ સ્ટેશનમાં જ પોલીસકર્મીઓ મેળવશે ‘ફિટનેસ’

અમદાવાદ: ગુનાનો ભેદ ઉકેલવામાં તેમજ વીઆઇપી બંદોબસ્તમાં વ્યસ્ત રહેતા પોલીસ કર્મચારીઓ તણાવમુક્ત રહે અને તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે સૌપ્રથમ વખત પોલીસ સ્ટેશનમાં જિમ બનાવવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. પોલીસ કર્મચારીઓના હેલ્થને ધ્યાનમાં રાખીને સરદારનગર પોલીસ સ્ટેશનમાં જિમ બનાવાયું છે, જેના કારણે સ્માર્ટ સિટીમાં પોલીસ કર્મચારીઓ સ્માર્ટ અને તંદુરસ્ત થઇને પોતાની ફરજ અદા કરે છે.

ડિજિટલ ઇન્ડિયામાં શહેર પોલીસ ધીમે ધીમે હાઇટેક બનીને પેપરલેસ કામ તરફ આગળ વધી રહી છે. પોલીસ કર્મચારીઓ અવનવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગુનાના ભેદ ઉકેલી રહ્યા છે તો બીજી તરફ વીવીઆઇપીઓના બંદોબસ્તનું ભારણ પણ ઘટવાની જગ્યાએ વધી રહ્યું છે.

સરદારનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓ માટે ખાસ પ્રકારનું જિમ બનાવવામાં આવ્યું છે, જેમાં પોલીસે જિમનાં તમામ સાધનો વસાવ્યાં છે. પોલીસ કર્મચારીઓનાં હાર્ટએટેક અને બ્લડ પ્રેશરના કારણે મૃત્યુ થયાં હોવાની અનેક ઘટનાઓ ઘટી છે. હવે કોઇ પોલીસ કર્મચારીનું બીમારીના કારણે મોત ના થાય તે માટે જિમ શરૂ કરવામાં આવ્યું છે.

ડીસીપી ઝોન-ર સ્કવોડમાં ફરજ બજાવતા જગદીશભાઇ નામના પોલીસ કોન્સ્ટેબલનું હાઇ બ્લડ પ્રેશરના કારણે મોત થયું હતું, શહેરમાં રાત-દિવસ નાગરિકોનું સંરક્ષણ કરતા ૬૦ ટકા કરતાં વધુ પોલીસ કર્મચારીઓ કામના ભારણના લીધે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કિડની-હૃદયરોગની તકલીફથી પીડાતા હોવાનું સર્વેમાં સામે આવ્યું છે.

તાજેતરમાં પોલીસ વેલ્ફેર હોસ્પિટલમાં પોલીસ કર્મચારીઓના ચેકઅપ દરમ્યાન ચોંકાવનારા આંકડા પ્રકાશમાં આવ્યા છે, જેમાં રર૬૭ પોલીસ કર્મચારીઓનાં મે‌િડકલ ચેકઅપ થયાં હતાં, જેમાં ૧ર૯ પોલીસ જવાનો સ્વસ્થ હતા, જ્યારે ૧ર૭૦ પોલીસ જવાનોને બીમારીની સામાન્ય અસર દેખાઇ હતી અને ૮૬૮ ગંભીર બીમારીથી પીડાય છે. ગંભીર બીમારીથી પીડાતા પોલીસ કર્મચારીઓ પૈકી ૩૯૩ વ્યસનના કારણે બીમાર છે. ૩૦૦ હાઈ બ્લડ પ્રેશરની બીમારીથી પીડાય છે.

જ્યારે ૬૮ પોલીસ કર્મચારીઓ ડાયા‌િબટીસનો શિકાર છે અને ર૮ પોલીસ જવાનો હાઈ બ્લડ પ્રેશર-ડાયા‌િબટીસની બીમારીનો શિકાર બન્યા છે. પોલીસ કર્મચારીઓની વાત હોય તો ફકત પુરુષ પોલીસ જ ગંભીર બીમારીથી નથી પીડાતા, પરંતુ મહિલા પોલીસ જવાનોની પણ કફોડી સ્થિતિ સામે આવી છે.

મહિલા પોલીસ સ્ટેશનની ર૮ મહિલા પોલીસ કર્મચારીઓ અને અન્ય પોલીસ સ્ટેશનની ૬૩ મહિલાઓનાં મે‌િડકલ ચેકઅપ દરમ્યાન ૮૦ ટકા મહિલાઓ હિમોગ્લોબીનની ખામીના કારણે પરેશાન છે. સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એન. વિરાણીએ જણાવ્યું છે કે પોલીસ કર્મચારીનાં સ્વાસ્થ્ય સારાં થાય તે માટે આ જિમ ચાલુ કરવામાં આવ્યું છે. પોલીસ કોઇ પણ સમયે પોલીસ સ્ટેશનમાં આવે ત્યારે આ જિમનો ઉપયોગ કરી શકે છે.

You might also like