થર્ટી ફર્સ્ટની રાત્રે પીધેલાને પકડવા પોલીસે મોંઢા સૂંઘવા પડશે

અમદાવાદ: નવા વર્ષની ઉજવણીની આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેર પોલીસ સહિત ટ્રાફિક પોલીસ પણ શહેરમાં ઠલવાઇ રહેલા ગેરકાયદે દારૂના મામલે સતર્ક બની છે. જોકે નવાઇની વાત એ છે કે દારૂડિયાઓને પકડવા માટે ઉપયોગી એવા બ્રીધ એનેલાઇઝર ગણીને માત્ર બે જ છે.

શહેરમાં થર્ટી ફર્સ્ટની રાત્રે મોટા પાયે દારૂની પાર્ટી થાય છે. સેંકડો લોકો દારૂ પીને નીકળે છે. જોકે ગણ્યાગાંઠયા લોકો પકડાય છે. પીધેલા લોકોને કેવી રીતે પકડવા તે મામલે પોલીસ પણ મૂંઝવણમાં છે. કેમ કે તેમની પાસે બ્રીધ એનેલાઇઝર જ નથી.

શહેર પોલીસ પાસે માત્ર બે બ્રીધ એનેલાઇઝર છે અને તે પણ વાપરવા લાયક હાલતમાં ન હતાં. આ બે મશીન પણ રિપેર કરીને ઉપયોગમાં લેવાશે. શહેરમાં પોલીસ જાપ્તાની બીકમાં યુવાધન અમદાવાદની આસપાસના ફાર્મહાઉસમાં કે એકાંત સ્થળોએ નવા વર્ષની ઉજવણીના નામે દારૂની પણ મહેફિલ માણતા હોય છે આવા સંજોગોમાં બ્રીધ એનેલાઇઝર વગર બોટલના પુરાવા મળેતો ઠીક છે નહીં તો ડ્રાઇવ કરી રહેલા લોકોના મોઢા સૂંઘીને પોલીસને પકડવા પડશે.

આ અંગે ટ્રાફિક એસીપી હરિકૃષ્ણ પટેલે જણાવ્યું કે, કુલ બાર એનાલાઇઝર છે તેમાંથી બે ટ્રાફિક પાસે છે જ્યારે બીજા ૧૦ પોલીસ સ્ટેશનમાં ફાળવવામાં આવ્યા છે. આ વર્ષે બ્રીધ એનાલાઈઝરનો ઉપયોગ કરવામાં આવશે. ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ જેવા કોઈ અકસ્માત ન બને તે માટે આ બ્રીધ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસને બે બ્રીધ એનાલઈઝર આપવામાં આવ્યા છે.”

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ,એસ જી હાઈ વે , સી. જી રોડ અને વસ્ત્રાપુર પર ૩૧ ડિસેમ્બરનાં દિવસે બાઈક અને કાર સ્ટંટ કરતા હોય છે. જ્યારે ડ્રિન્ક કરીને વાહન ચલાવતા હોય છે તેને ખાસ કરીને તપાસ કરવામાં આવશે. સ્ટંટ બાઈકર્સ કરતા અન્ય શહેરીજનોને કોઈ તકલીફ નાં પડે તે માટે આ એનેલાઈઝરનો ઉપયોગ કરવામાં આવે છે.

ટ્રાફિક પોલીસ પાસે બે બ્રીધ એનેલાઈઝર છે , જેમાંથી એક ઓટોમેટિક એનાલાઇઝર અને એક મેન્યુઅલ એનેલાઈઝર છે. ઓટોમેટિક એનેલાઇઝરમાં સામેની વ્યક્તિનું નામ પૂછવામાં આવે છે જે મશીનમાં રેકોર્ડ થતું હોય છે. આ સિવાય તે ક્યા વિસ્તારમાં પકડાયો છે તેની પાસે કઈ ગાડી છે તે વિગત પણ ઓટોમેટીકલી પ્રિન્ટ થઈ આવી જાય છે. તેની સાથે સાથે સામેની વ્યક્તિનો ટેસ્ટ પણ કરવામાં આવે છે જેના પોઈન્ટ અને ટેસ્ટ પોઝિટિવ છે કે નેગેટિવ તેની તપાસ કરવામાં આવે છે.

જ્યારે મેન્યુઅલ એનાલાઇઝરમાં નામ અને જગ્યા ટાઈપ કરવી પડે છે, પણ આ એનાલાઇઝરમાં સેન્સર વધારે પાવરફૂલ હોવાથી સામેની વ્યક્તિ મોઢું ખોલે તેના પરથી ડાયરેક્ટ થઇ જાય છે. ક્યારેક ક્યારેક મોઢામાં પાઈપ મૂકી ફૂંક પણ મારવી પડતી નથી.

You might also like