પોલીસે પીછો કરતાં દારૂનો જથ્થો ભરેલાં વાહનો રેઢાં મૂકી બુટલેગરો ભાગી ગયા

અમદાવાદ: કચ્છ હાઈવે પર સામખિયાળી ચેકપોસ્ટ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલાં વાહનો સાથે પસાર થઈ રહેલ બુટલેગરોનો પોલીસે પીછો કરતાં ભયના કારણે બુટલેગરો દારૂ ભરેલાં વાહનો રીઢા મૂકી નાસી છૂટ્યા હતા. પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે રૂ. ૨૬ લાખનો મુદ્દામાલ કબજે કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

કચ્છના પોલીસવડાને ચોક્કસ બાતમી મળી હતી કે કચ્છ હાઈવે પર સામખિયાળી ચેકપોસ્ટ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ એક ટેમ્પો પસાર થવાનાે છે. અા બાતમીના અાધારે પોલીસે હાઈવે પર રાતભર વોચ ગોઠવી હતી. દરમિયાનમાં એક ટેમ્પો પુરઝડપે પસાર થઈ રહ્યો હતો અને અાગળ એક કાર તેનું એસ્કોર્ટિંગ કરી રહી હતી. પોલીસ ટીમે અા બંને વાહનોનો પીછો કરતાં બુટલેગરોએ કાર અને ટેમ્પો કાચા રસ્તા પર લઈ જઈ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે કાચા રસ્તા પર પણ પીછો કરતાં ફિલ્મ જેવા દૃશ્યો સર્જાયાં હતાં. પોલીસની ધોંસ વધતાં છેવટે બુટલેગરો કાર અને ટેમ્પો રેઢા મૂકી ખેતરોમાં નાસી છૂટ્યા હતા.

પોલીસે ટેમ્પાની તાડપત્રી ખોલી તપાસ કરતાં તેમાંથી કોઝી વિસ્કી, જીન, સહિતની વિદેશી દારૂ ભરેલી સંખ્યાબંધ પેટીઓ મળી અાવી હતી. પોલીસે કુલ રૂ. ૨૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે નરાગામના ચંદુભા અને ડાભુડાના રણજિતસિંહ નામના અા બુટલેગરોએ વિદેશી દારૂનો જથ્થો મગાવ્યો હતો. ઉપરોક્ત બંને બુટલેગરો અને અન્ય નાસી છૂટેલા બે શખસ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કરી છે.

You might also like