પોલીસ લાઈનનાં મકાનો બારોબાર ભાડે અાપી દેવાનો ‘વહીવટ’!

અમદાવાદ: શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને રહેવા માટે બનાવાયેલી પોલીસ લાઇનમાં હાલમાં કોઇ મકાન ખાલી ન હોવાથી અનેક પોલીસકર્મીઓને બહાર મોટું ભાડું ચૂકવી રહેવું પડે છે ત્યારે જે પોલીસકર્મીને પોલીસ લાઇનમાં મકાન ફાળવવામાં આવ્યાં છે તે મકાન ભાડે આપી દેવાતાં હોવાનું બહાર આવ્યું છે. શહેરની એલિસબ્રિજ પોલીસ લાઇનમાં ૧ર થી ૧પ મકાન ભાડે આપી દેવાયાં છે. આ પાંચ મકાન એવી વ્ય‌િક્ત‌ઓ, જે પોલીસકર્મી નથી અને સાત મકાન એવી વ્યક્તિઓ, જે પોલીસકર્મીઓ છે તેમને ભાડે અપાયાં છે. શહેરમાં શાસ્ત્રીનગર પોલીસ લાઈન, બાપુનગર પોલીસ લાઈન, બાગે ફિરદોસ્ત પોલીસ લાઈન તેમજ શાહીબાગ પોલીસ લાઈન મળી કુલ ૨૦થી વધુ પોલીસ લાઈન અાવેલી છે.

શહેર પોલીસમાં ૧૦ હજારથી વધુ પોલીસકર્મીઓ ફરજ બજાવે છે. આમાંથી માત્ર ૩૦ થી ૪૦ ટકા જ પોલીસકર્મીઓને પોલીસ લાઇનમાં મકાન ફાળવવામાં આવ્યાં છે. બાકીના પોલીસકર્મીઓ પોતાના અથવા તો મકાન ભાડે રાખી રહેતા હોય છે. ચાર એલઆરડી જવાન વચ્ચે એક મકાન ફાળવવામાં આવે છે. પ‌િરવારવાળા પોલીસકર્મીઓને મકાન ન મળતાં ફર‌િજયાત બહાર મોટું ભાડું ચૂકવી રહેવું પડે છે. એલિસબ્રિજ પોલીસ લાઇનમાં કેટલાંક મકાનો ભાડે આપી પોલીસકર્મીઓ દ્વારા ભાડું વસૂલાતું હોવાની ફરિયાદ મળતાં ડીસીપી ઝોન-૭ વિધિ ચૌધરીએ પી.આઇ. અને એસીપીને અા અંગે તપાસ કરી ‌િરપોર્ટ કરવા જણાવ્યું હતું. તપાસ દરમ્યાન કુલ ૩૩ બ્લોકના મકાનમાંથી ૧ર થી ૧પ મકાન ભાડે આપી દીધાં હોવાનું બહાર આવ્યું છે, તેમાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા એલઆરડી જવાન એવા સાતેક લોકોને મકાન ભાડે અપાયાં છે

જ્યારે પાંચ મકાન, જે પોલીસકર્મી નથી તેવા લોકોને ભાડે આપવામાં આવ્યાં છે. એક તરફ અનેક પોલીસકર્મીઓને મકાન ખાલી ન હોવાથી મકાન નથી મળતું અને ભાડે રહેવાની ફરજ પડે છે ત્યારે જે પોલીસકર્મીને મકાન ફાળવાયાં છે તેઓ મકાન ભાડે આપી પૈસા કમાતા હોવાથી અનેક પોલીસ પરિવારમાં રોષ ભભૂક્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ માત્ર આ એક જ પોલીસ લાઇન નહીં, પરંતુ શહેરની મોટા ભાગની પોલીસ લાઇનમાં આ રીતે ખાનગી વ્યક્તિ અને અન્ય પોલીસકર્મીઓને મકાન ભાડે આપવામાં આવે છે. આ અંગે વારંવાર પી.આઇ. કક્ષાના અધિકારી સુધી રજૂઆત અને ફરિયાદ કરવા છતાં તેઓ કોઇ ધ્યાન નથી આપતા અને અનેક પોલીસકર્મીઓને મકાનથી વંચિત રહેવું પડે છે.

ભાડે અપાયેલાં મકાન ખાલી કરવા નોટિસ અપાઈ છે
ઝોન-૭ ડીસીપી વિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે ૧ર થી ૧પ મકાન ભાડે હોવાનું ધ્યાને આવતાં આ તમામ ભાડે અપાયેલાં મકાનને ખાલી કરવા નોટિસ આપવાની કાર્યવાહી કરાઇ છે. જે પણ પોલીસકર્મીઓએ મકાન ભાડે આપ્યાં છે તેઓનાં નિવેદન લઇ જો તેઓ કસૂરવાર હશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

You might also like