પોલીસની ઓળખ આપી છરી બતાવી રૂ.૭૦ હજારની લૂંટ

અમદાવાદ: શહેરની એપોલો હોસ્પિટલથી ગાંધીનગર તરફના રોડ પર રાત્રિના સમયે ઘરે પરત ફરતા વેપારીને બાઈક પર આવેલા બે શખસો પોલીસની ઓળખ આપી ગાડી ચેક કરવાનું કહી છરી બતાવી વકરાના રૂ.૭૦ હજાર લૂંટી ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસને જાણ કરાતાં ઈન્ફોસિટી પોલીસ દોડી આવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ કોબાની મનરમ્ય સ્ટ્રીટ સોસાયટીમાં સુરેશભાઈ બાબુલાલ શર્મા (ઉ.વ. ૬૬) તેમના પરિવાર સાથે રહે છે. સુરેશભાઈ બાપુનગર ખાતે લક્ષ્મી ડેરી પ્રોડક્ટના નામે દુકાન ધરાવે છે. સુરેશભાઈ રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ દુકાન બંધ કરીને બાપુનગરથી પોતાની કારમાં ઘરે આવી રહ્યા હતા ત્યારે એક ફાર્મ નજીક બે અજાણ્યા શખસો બાઈક લઈ આવ્યા હતા અને કાર રોકાવી ડી સ્ટાફના માણસોની ઓળખ આપી હતી.

તેઓએ તમારી કારનું ચેકિંગ કરવાનું છે તેમ કહી કાર તપાસી હતી. કારમાં પડેલા થેલી બાબતે તેઓએ સુરેશભાઈને પૂછતાં તેઓએ થેલીમાં વકરાના રૂ.૭૦,૦૦૦ રૂપિયા હોવાનું જણાવ્યું હતું, જેથી સુરેશભાઈને છરી બતાવી બંને શખસ મગજમારી ન કરવાનું કહીને કારની ચાવી કાઢી લઈ રોકડા રૂપિયા ભરેલી થેલી લઈ બાઈક પર બેસી ગાંધીનગર તરફ ફરાર થઈ ગયા હતા.

સુરેશભાઈએ આ અંગે પોલીસને જાણ કરી હતી અને પોલીસ દોડી આવતાં તેઓની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ બાપુનગરથી જ સુરેશભાઈની કારનો પીછો કર્યો હતો અને સૂમસામ જગ્યા આવતાં લૂંટ ચલાવી હતી. રોડ પર લાગેલા સીસીટીવીના આધારે હાલ આરોપીઓને શોધવાની તજવીજ શરૂર કરાઈ છે.
http://sambhaavnews.com/

You might also like