પોલીસ બની હાઈટેક: ઈન્વેસ્ટિગેશન રિપોર્ટ હવે લેપટોપથી અપડેટ થશે

અમદાવાદ: શહેર પોલીસ પણ હવે ડિજિટિલાઇજેશન અને પેપરલેસ વર્ક તરફ વધી રહી છે હત્યા, લૂંટ, ચોરી, બળાત્કાર જેવા ગંભીર ગુનામાં ઇન્વેસ્ટિગેશન રિપોર્ટથી લઇને પંચનામું અને સાક્ષીઓનાં નિવેદનોને પોલીસ ઓનલાઇન નોંધશે. પોલીસ કેસની તપાસ (ઈન્વેસ્ટિગેશન)નો સ્ટેટસ રિપોર્ટ પણ ઓનલાઈન અપડેટ થશે.

ગુનાઓથી લઇને આરોપીની માહિતીઓ ઓનલાઇન ઉપલબ્ધ રહે તે માટે ગૃહવિભાગ દ્વારા ઇ-ગુજકોપ પ્રોજેક્ટ અમલ કરાયો છે. પ્રોજેક્ટ અતર્ગત પોલીસ વિભાગની તમામ કામગીરી ઓનલાઇન અને પેપરલેસ થઇ રહી છે. તાજેતરમાં નાગરિક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ જોઇ શકે તે માટે ઓનલાઇન ફરિયાદ મૂકવાનું શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના ગૃહવિભાગની વેબસાઈટ www.homegujarat.gov.in તેમજ ગુજરાત પોલીસની વેબસાઈટ www.police.gujarat.gov.in પર get fir copy નામની લીન્ક મુકાઈ છે.

હવે ઇ-ગુજકોપ પ્રોજેક્ટ અતર્ગત ઇન્ટિગ્રેટેડ ઇન્વેસ્ટિગેશન ફોર્મમાં કેસની તમામ વિગતો મૂકવાનું પણ અમદાવાદ શહેર પોલીસ શરૂ કર્યું છે. હત્યા, લૂંટ,ચોરી, બળાત્કાર જેવા અતિ ગંભીર ગુનાઓ બનતા હોય છે તે સમયે પોલીસ ઘટના સ્થળ પર જઇને પંચનામું, સાક્ષીઓનાં નિવેદનો તથા આરોપીઓની વિગતો કાગળ પર લખતા હોય છે. હવે પોલીસ ઘટના સ્થળે લેપટોપ મારફતે પંચનામું, સાક્ષીઓના નિવેદનો, આરોપીની તમામ વિગતો ઓનલાઇન ઇન્ટિગ્રેટેડ ઇન્વેસ્ટિગેશન ફોર્મમાં લખશે.

દરિયાપુરમાં થયેલી હત્યા કેસમાં પોલીસ ઘટના સ્થળ પર જઇને નજરે જોનાર સાક્ષીઓનાં નિવેદનો તથા પંચનામું અને બીજી અન્ય વિગતો ઇન્ટિગ્રેટેડ ઇન્વેસ્ટિગેશન ફોર્મમાં અપલોડ કરી હતી.  ઓનલાઈન સિસ્ટમથી પોલીસ અધિકારી ઇ-ગુજકોપના યુનિક આઇડી પાસવર્ડથી કોઇપણ કેસનું ઇન્વેસ્ટિગેશન ક્યાં સુધી પહોંચ્યું છે અને કેસનો સ્ટેટસ રિપોર્ટ શું છે તે આસાનીથી જોઇ શકશે. રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પરેશ સોલંકીએ જણાવ્યું છે કે છેલ્લા એક સપ્તાહથી અમારા પોલીસ સ્ટેશનમાં ઘટના સ્થળ પર જઈને લેપટોપથી નિવેદન લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ.કે.સિંધે જણાવ્યું છે કે પેપરલેસ વર્કની ક્રમશઃ શરૂઆત કરવામાં આવી છે. પહેલા એફઆઇઆર મૂકવાનું શરૂ કર્યું. જે નાગરિકો પણ જોઇ શકે છે. હવે ઇન્ટિગ્રેટેડ ફોર્મમાં ઓનલાઇન એફઆઇઆર, નિવેદનો, પંચનામાં, આરોપીઓની તમામ વિગતો મૂકવામાં આવી રહી છે. જે માત્ર પોલીસ વિભાગના અધિકારીઓ જોઇ શકશે. જ્યારે કોઇ પણ કેસનો સ્ટેટસ રિપોર્ટ જોવો હોય ત્યારે યુનિક આઇડી પાસવર્ડ વડે કેસનો સ્ટેટસ રિપોર્ટ જોઇ શકાય છે. શહેરનાં કેટલાંક પોલીસ સ્ટેશનોમાં આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે હજુ કેટલાક પોલીસ સ્ટેશનમાં કનેક્ટિવિટીના કારણે કામગીરી શરૂ થઇ નથી.

You might also like