પોલીસ હેડ કવાર્ટરના કર્મચારીએ મહિલાની છેડતી કર્યાની ફરિયાદ

અમદાવાદ: શાહીબાગ પોલીસ હેડકવાર્ટરમાં રહેતા અને ત્યાં જ ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ ઓઢવ વિસ્તારમાં રહેતી એક ‌મહિલાની છેડતી કરી હોવાની ફરિયાદ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પરિણીતા પ્રેમસંબંધ નહીં રાખે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ ઓઢવ વિસ્તારમાં રપ વર્ષીય પરિણીતા તેનાં માતા-પિતા સાથે રહે છે. હાલમાં પતિ-પત્ની વચ્ચે કોર્ટમાં કેસ ચાલુ હોઇ તે ઓઢવ ખાતે માતા-પિતા સાથે રહેવા આવી હતી. સાત વર્ષ અગાઉ તેઓ ઓઢવમાં જ રહેતાં હતાં, જ્યાં કરિયાણાની દુકાને આવતા મનીષ બળવંતભાઇ વલવી સાથે ઓળખાણ થઇ હતી. પરિણીતા જ્યારે પણ બહાર જતી ત્યારે મનીષ વાતચીત કરવાની કોશિશ કરતો હતો અને ફોન પર પ્રેમસંબંધ રાખવા કહેતો હતો.

ર૦૧પમાં પરિણીતાની સગાઇ થઇ ત્યારે તેની સાસરીમાં પણ મનીષ પહોંચી ગયો હતો અને તેણેે લગ્નની ના પાડી દેવા જણાવ્યું હતું. આ અંગે પરિણીતાની માતાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી.

અરજી થતાં મનીષે આજ પછી હેરાન-પરેશાન નહીં કરું તેવું લખી આપ્યું હતંુ છતાં પણ મનીષ પરિણીતાના ઘરે આવીને હેરાન-પરેશાન કરતો હતો. ૧૭ દિવસ પહેલાં પરિણીતા તેના ઘરે હાજર હતી ત્યારે મનીષ ઘરની બહાર આવી ગયો હતો અને ઘરમાં ઘૂૂસવાની કોશિશ કરી હતી. ઘરમાં હાજર પરિણીતાનાં બહેન-બનેવી તેની પાછળ દોડતાં તે નાસી ગયો હતો, જેથી પરિણીતાએ આ અંગે મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

You might also like