ગાડી નહી રોકતાં PSIએ યુવકના હાથમાં ઘરબી દીધી ગોળી : બહેનનાં હતા લગ્ન

વડોદરા : આઇબી દ્વારા 10 આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની આશંકાના પગલે સમગ્ર ગુજરાતમાં એલર્ટ જાહેર કરાયું છે. ઠેરઠેર ચેકિંગ ચાલી રહ્યા છે. પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે. ગુજરાતનાં ધાર્મિક સ્થળો પર અતિશય કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેવામાં ડાકોર મહુધા રોડ પર એલસીબી દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન એક યુવાનને ઉભા રહેવા માટે પીએસઆઇ દ્વારા જણાવાયું હતું. જો કે તે ઉભો નહી રહેતા પીએસઆઇ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેનાં કારણે મહેન્દ્રસિંહ પરમાર નામનાં યુવાનને ગોળી હાથમાં થઇને પેટમાં વાગી હતી. હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યુવકની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલનાં સુત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે. ડાકોર પોલીસે આ અંગે ગુ્ન્હો નોંધીને તપાસ આદરી છે.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ઉમરેઠ ખાતે પ્રવિણસિંહ પ્રભાતસિંહ પરમારની પુત્રી નિરાલીનાં આજે નડીયાદ ખાતે સમુહ લગ્નમાં લગ્ન હતા. જેથી ગત્ત રાત્રે પ્રવિણસિંહનાં ઘરે ભોજનસમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે જમણવાર પતિ ગયા બાદ પ્રવિણસિંહનાં ભત્રીજો મહેન્દ્રસિંહ પરમાણ સહિતનાં 4 મિત્રો જમવા માટે ડાકોર રોડ પર ગયા હતા. જો કે પરત ફરતા સમયે ડાકોર ખાતે તેઓને ઉભા રહેવા માટે પોલીસે જણાવ્યું હતું. જો કે ગાડી ઉભી નહી રહેતા ડાકોર પોલીસે તેનો પીછો પકડ્યો હતો.

જો કે યુવકે કરેલા દાવા અનુસાર પોલીસે તેમને અટકાવવા માટે કહ્યું હતું પરંતુ તેઓ ડરી ગયા હોવાનાં કારણે ગાડી ભગાવી હતી. જેનાં પગલે પ્રથમ પોલીસે હવામાં ફાયરિંગ કર્યું હતું. તેમ છતા પણ ગાડી નહી અટકતા પોલીસે ફિલ્મી સ્ટાઇલે પીછો ચાલુ રાખ્યો હતો. એક તબક્કે બંન્ને ગાડી લગોલગ આવી ત્યારે પીએસઆઇએ યુવકનાં હાથ પર ગોળી ચલાવી હતી.

અત્રે નોંધનીય છે કે યુવકની કાકાની દિકરી બહેનનાં લગ્ન છે. જેમાં અમદાવાદથી જાન આવી છે. જો કે ભાઇને ગોળી વાગવાથી લગ્ન માત્ર એક ઔપચારિકતા પુરતા જ સીમિત રહ્યા છે. પરિવારનાં તમામ લોકો હાલ હોસ્પિટલ પર દોડી આવ્યા છે. લગ્નમાં જરૂરી હોય તેટલા જ લોકો હાજર રહ્યા હતા. ઇજાગ્રસ્તનાં પરિવારનો દાવો છેકે પોલીસ ગાડીનાં ટાયર કે ગાડી પર ગોળી મારવી જોઇતી હતી. આતંકવાદી સમજીને નિર્દોષ વ્યક્તિ પર ગોળી ન ચલાવવી જોઇએ. જો મહેન્દ્રને કાંઇ પણ થશે તો તેનાં માટે સંપુર્ણ રીતે પોલીસ અને તેની બેદરકારી જ જવાબદાર રહેશે.

You might also like